સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાયની તપાસમાં મોટો ધડાકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ જુગાર મામલે નવો વળાક આવ્યો છે. જુગારના ખોટા કેસમાં ફસાવીને ૬૩ લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાવ ખોટો કેસ થયાની અરજી મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાયની તપાસમાં મોટો ધડાકો થયો હતો. મોરબીના ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં પડાવી ૬૩ લાખ પડાવી લેવાયા હતા. માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે રૂપિયા પડાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે CCTV અને લોકોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો છે. લાખોની લાંચ લેનાર PI ગોહિલ સસ્પેન્ડ થયા બાદ લાપતા છે. જ્યારે રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની શોધખોળ ચાલુ છે.
મોરબી જિલ્લાના SMC ની તપાસ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ટંકારા પોલીસ સ્ટેશનના પૂર્વ PI – હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધાયો છે. લજાઈ પાસે આવેલી હોટલમાં જુગારની રેડમાં થયેલા તોડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SMC ના SP નિર્લિપ્ત રાયની સ્થળ તપાસ બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પૂર્વ PI વાય.કે.ગોહેલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ PI ની અરવલ્લી અને હેડ કોન્સટેબલની દાહોદ બદલી કરાઈ હતી.
મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલી હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ પાડવામાં આવી હતી અને જે તે સમયે આ રેડની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાત પોલીસ દ્વારા જીસ્ઝ્રને સોંપવામાં આવી છે.
ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ પડી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી. જેથી કરીને પોલીસે ૧૨ લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૬૩.૧૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી ગોપાલ સભાડ, ચીરાગ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ જાડેજા, રવિ પટેલ, વિમલ પટેલ, ભાસ્કર પારેખ, કુલદીપસિંહ ગોહિલ, શૈલેષ ઠુમ્મર અને નિતેષ ઝાલરીયાને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે કે, રજનીકાંત ભરતભાઈ દેત્રોજા (રહે. ચિત્રકુટ સોસાયટી, મોરબી)ને પકડવાનો બાકી છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી રવિ પટેલે તેનુ નામ ખોટું આપ્યું હતું. જેથી કરીને તેનું સાચું નામ તીર્થ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલરનો ઉમેરો કરીને પોલીસ એ કાર્યવાહી કરી હતી. જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેથી કરીને આ બાબતની તપાસ જે તે સમયે રેન્જ IG દ્વારા લીંબડીના DYSP ને સોંપવામાં આવી હતી. જોકે ગુજરાતના પોલીસ વડા દ્વારા આ ચકચારી જુગારની રેડ બાબતે SMC ને તપાસ સોંપવામાં આવી હતી.