ન્યાયાધીશોએ તેમના કામમાં ઈમાનદારી અને નિષ્પક્ષતા રાખવી જોઈએ
સુપ્રીમ કોર્ટનો જજના સોશિયલ મીડિયાના ઉપયોગને લઇ આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે તમામ જજના સોશિયલ મીડિયા ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જેમાં તમામ જજને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપવાથી બચવાની સલાહ આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, તમામ જજએ સાધુ જેવું જીવન જીવવું જોઈએ અને ઘોડાની જેમ કામ કરવું જોઈએ. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું, ન્યાયપાલિકામાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાને કોઈ સ્થાન નથી.
મળતી જાણકારી મુજબ, મધ્યપ્રદેશ હાઈકોર્ટના બે મહિલા જજ- અદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના આધારે આ ટિપ્પણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી વી નાગરત્ના અને કોટિસ્વર સિંહની બેંચે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, તમામ જજએ ફેસબુક જેવા પ્લેટફોર્મના ઉપયોગ કરવાથી બચવું જોઈએ. કોર્ટે કહ્યું, ન્યાયાધીશોએ તેમના ફેંસલા પર સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ. જો ભવિષ્યમાં આ ફેંસલાનો ઉલ્લેખ કરવામાં આવે તો તેના પર કરેલી ટિપ્પણથી અસર થઈ શકે છે. ન્યાયાધીશોએ તેમના કામમાં ઈમાનદારી અને નિષ્પક્ષતા રાખવી જોઈએ, તેમજ સોશિયલ મીડિયાથી પણ દૂર રહેવું જોઈએ.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે અદિત કુમાર શર્મા અને સરિતા શર્માને સસ્પેન્ડ કરવા પર સંજ્ઞાન લીધું હતું. અદિત શર્માના મામલામાં દાવો કરવામાં આયો હતો તેનું પ્રદર્શન ૨૦૧૯-૨૦થી સતત કથળી રહ્યું હતું. ૨૦૨૨માં તેમનો ડિસ્પોઝલ દર ૨૦૦થી પણ ઓછો હતો. જેના કારણે તેમના સસ્પેન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અદિતિ શર્માએ હાઈકોર્ટમાં જણાવ્યું કે, તે ૨૦૨૧માં પ્રેગ્નેન્ટ હતી અને તે બાદ તેના ભાઈને કેન્સરનું નિદાન થયું હતું. જેના કારણે તેના પ્રદર્શન પર અસર પડી હતી.