ઠંડા પવન સાથે અનેક રાજ્યો પર હાડ થીજવતી ઠંડીની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી-NCR સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં શીત લહેરની સંભાવના છે. તે જ સમયે ૧૫ ડિસેમ્બરથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે. તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
IMD ના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCR માં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે કર્ણાટકમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. દક્ષિણ કર્ણાટકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. કોરાપુટ, મલકાનગિરી, નવારંગપુર, કાલાહાંડી, કંધમાલ અને રાયગડા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ભારે વરસાદની અપેક્ષા છે. બેંગ્લોર શહેરી, બેંગ્લોર ગ્રામીણ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી બે દિવસમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની અપેક્ષા છે, જ્યારે પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં સમાન માર્જિનથી વધારો થવાની અપેક્ષા છે. ઉત્તર ભારત માટે આગાહી છે કે આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન એકદમ સ્થિરી રહેવાની ધારણા છે. મેદાની વિસ્તારોમાં જ્યારે લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ અથવા નીચે જાય છે અથવા જ્યારે તે સામાન્ય કરતાં ૪.૫ થી ૬.૪ ડિગ્રી નીચે આવે છે ત્યારે શીત લહેર જાહેર કરવામાં આવે છે.