‘ભારતીય સંસદમાં વિક્ષેપ જોવું ખૂબ જ દુઃખદ’
(સંપૂર્ણ સમાચાર સેવા)
સદગુરુ જગ્ગી વાસુદેવે સતત સંસદની કાર્યવાહી સ્થગિત થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘ભારતીય સંસદમાં વિક્ષેપ જોવું ખૂબ જ દુઃખદ છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત વિશ્વમાં લોકશાહીનું પ્રતીક બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે.
ભારતના સંપત્તિ સર્જકો અને નોકરી આપનારાઓને રાજનીતિક નિવેદનોનો હિસ્સો ન બનાવવો જોઈએ. જો કોઈ વિસંગતતા હોય તો તેને કાયદા હેઠળ ઉકેલવી જોઈએ, પરંતુ તેને રાજકીય ફૂટબોલ ન બનાવવો જોઈએ.’સદગુરુએ ભારતીય વ્યવસાયોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, વ્યવસાયના વિકાસથી જ ભારત પોતાના ગૌરવશાળી ભવિષ્ય તરફ આગળ વધી શકે છે.
સંસદમાં થઈ રહેલા સતત હોબાળાના કારણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ રહી. સદગુરુના આ નિવેદને દેશમાં રાજનીતિ અને લોકશાહીની સ્થિતિ પર એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ચાલી રહેલા હોબાળાને કારણે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા નથી રહી. સત્તારુઢ પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર સંસદને સ્થગિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યાં સત્તારુઢ પક્ષનું કહેવું છે કે વિપક્ષ ગૃહને ચાલવા નથી દઈ રહ્યું તો બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે, સત્તારુઢ પક્ષ પોતે જ હોબાળો કરીને કાર્યવાહીને સ્થગિત કરી રહ્યો છે. આ મડાગાંઠ સંસદની કાર્યવાહીને સતત અસર કરી રહી છે.