સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સામાન્ય માણસ કાયદાનો ભંગ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કોઈ પાર્ટીનો નેતા કાયદાનો ભંગ કરે ત્યારે તંત્ર આખ આડા કાન કરતું હોય છે. જેને પગલે કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે? એવો પ્રશ્ન ઉભો થયો છે. સુરતમાં યુવાનનો ડાન્સર સાથે નાચતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારના સુજીત ઉપાધ્યાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુજીત ઉપાધ્યાય ભાજપ કાર્યકર હોવાની વાત સામે આવી છે. સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે.
જે વિડીયો સામે આવ્યો છે તેમાં ભાજપ કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સર સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાવી ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે? અત્યારે આ વીડિયો વાયરલ થતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.
બીજી બાજુ સુરતમાં સક્રિય કાર્યકરનું વિડીયો વાયરલ મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં વીડિયોને લઇને સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ કર્યું હતું. ઉપરાંત તેણે જણાવ્યું છે કે મુંબઈ ખાતે શુટિંગ વખતની રીલ છે. જેમાં ઓરીજનલ રિવોલ્વર નહીં પણ રમકડાંની ગન હોવાનું તેણે જણાવ્યું હતું. જોઈએ હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે.