જાહેરમાં ૨ છોકરીની છેડતી થયાનો વીડિયો વાઈરલ થતાં આરોપી સામે લોકોમાં રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં ઉધનામાં સોસાયટીમાં ઘૂસી ૨ છોકરીની છેડતી કરનાર યુવકની આખરે પોલીસે ધરપકડ કરી છે.. ગત રોજ સોશિયલ મીડિયા સહિત મીડિયામાં પણ છેડતી કરનાર યુવકના વીડિયો વાયરલ થતા ભારે ઉહાપોહ મચ્યો હતો. આ હોબાળાને પગલે પોલીસ સત્વરે કાર્યવાહી કરતા છોકરીઓની સુરક્ષા સાથે ચેડા કરનાર યુવકની ધરપકડ કરી હતી..
શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે તંત્ર પણ હવે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યું છે.જણાવી દઈએ કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે.
ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ ૨ છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે. લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને ઉદભવેલ રોષ જોતા પોલીસે યુવકની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરી હતી.