પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનને લઈને સંગીત જગતને સૌથી મોટી ખોટ પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ૯૦ વર્ષની ઉંમરે તેમણે જિંદગીને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના આ નિધનના સમાચારને લઈને ગુજરાતના સંગીત જગતમાં શોક ફેલાઈ ગયો અને સૌ કોઈના મનમાં તેઓ પોતાના સંગીતના યાદો મૂકીને જતા રહ્યા છે.
તમને જણાવી દઈએ પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ગુજરાતના ઉત્તરસંડાના ધુલિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ગૌરીશંકર અંબાલાલ ઉપાધ્યાય અને માતાનું નામ વિદ્યાગૌરી હતું. સુગમ સંગીત ક્ષેત્રે તેમણે “વિશ્વ ગુર્જરી એવોર્ડ” મેળવ્યો છે. સાથે જ વર્ષ ૨૦૦૫માં ઉર્દુ ગાયકીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને “એશિયન એવોર્ડ” મળ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૦માં પુરુષોત્તમ ઉપાધ્યાયને “જીવન ગૌરવ પુરસ્કાર” આપ્યો હતો. સાથે જ ગુજરાત સરકારે પણ તેમને “ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત કર્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૧૭માં તેમને “પદ્મશ્રી એવોર્ડ”થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના આ નિધનને લઈને ગુજરાતના સંગીત જગતને એક મોટી ખોટ પડી છે જે ક્યારેય કોઈ નહીં પૂરી શકે.
જાણીને તમને નવાઈ લાગશે કે તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. બાળપણમાં “રામ રાજ્ય” ફિલ્મ જોઈ હતી જેનું એક ગીત “બીના મધુર મધુર કછુ બોલ” તેમને ઘણું પસંદ આવ્યું હતું અને આ જ ગીતની ટ્યૂન પર બનેલું ગીત “સાધુ ચરણ કમલ ચિત્ત જોડે” તેમણે ગાયું હતું. જેથી તે સમયે તેમને ખૂબ જ વાહ વાહી મળી હતી. આ સિવાય ખાસ કરીને તેમના પ્રખ્યાત ગીતો “હે રંગલો જામ્યો”, “દિવસો જુદાઈના જાય છે”, “એ જશે જરૂર મિલન સુધી”, “કહું છું જવાનીને” જેવા ગીતોને સ્વર આપીને તેમણે અમર બનાવી દીધા છે. તેમના નિધનને લઈને સંગીત જગતને આજે સૌથી મોટી ખોટ પડી છે. જે ક્યારેય કોઈ પૂરી નહીં કરી શકે અને ગુજરાતના સંગીત જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયનો એક કિસ્સો ઘણો ખાસ છે. જેમાં તેઓ જ્યારે ટોરેન્ટોમાં હતા ત્યારે મેહંદી હસનના ભત્રીજા સૌહેલ રાણાએ તેમને કહેલું કે તમે ઉર્દુમાં ઘણું સારું ગીત ગાઓ છો તો તમે ગુજરાતી છોડી ઉર્દુમાં કેમ ગીતો નથી ગાતા? અમે તમને પાકિસ્તાન લઈને જઈશું અને ઘણા રૂપિયા આપીશું. તે સમયે પુરુષોત્તમ ઉપાધ્યાયે જવાબ આપ્યો હતો કે “ગુજરાતી ભાષા એ મારી મા છે. મારી માને હું ખૂણામાં મૂકી શકું તેમ નથી. બીજી કોઈ પણ ભાષાને હું માસી કહેવા તો તૈયાર છું પણ મા તો નથી જ.” આપને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂ આપતા સમયે પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સામેથી આ કિસ્સા વિશે લોકોને જાણ કરવામાં આવી હતી.