‘વાતચીતથી મુદ્દો ન ઉકેલાય તો આ માટે અન્ય વિકલ્પ શોધવો જોઈએ’
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં તખ્તાપલટો થયા બાદ હિંદુઓ પર સતત અત્યાચારો થઈ રહ્યા છે. અહીં અનેક મંદિરોમાં તોડફોડ અને હિન્દુઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ કારણે ભારતમાં અનેક સંગઠનોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચિંતા વ્યક્ત કરી છે. RSL ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે બાંગ્લાદેશમાં હિન્દુઓની હેરાનગતીનો મુદ્દો ઉઠાવી કેન્દ્ર સરકારને કડક પગલાં ભરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘જો વાતચીતથી સમસ્યાનું સમાધાન ન થાય તો કેન્દ્ર સરકારે અન્ય વિકલ્પો પર વિચારવું જોઈએ.
નાગપુરમાં ‘સકલ હિન્દુ સમાજ’ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે આ મામલે અતિગંભીરતાથી કામ કરવું જોઈએ અને યોગ્ય પગલા ભરવા જોઈએ. મને આશા છે કે, આ મુદ્દે વાતચીતથી ઉકેલાઈ શકે છે, પરંતુ વાતચીતથી મુદ્દો ન ઉકેલાય તો આ માટે અન્ય વિકલ્પ શોધવો જોઈએ.’
આંબેડકરે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો મુગલ શાસનની યાદ અપાવે છે. ત્યાં આપણા મંદિરો સળગાવાઈ રહ્યા છે, લૂંટમાં આવી રહ્યા છે. મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. આ બધુ જોઈ હિન્દુઓને ગુસ્સો આવવો જોઈએ. માત્ર આ ઘટનાની નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી. આપણે ગુસ્સા અને દુઃખમાંથી બહાર આવી આગળ વધવાની જરૂર છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિંસા કરવાનો ઉદ્દેશ્ય હિન્દુઓને ઉઘાડી ફેંકવાનો છે. માત્ર બાંગ્લાદેશ જ નહીં, પાકિસ્તાનમાં પણ હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. આપણે હિન્દુઓ વિરુદ્ધના અત્યાચારો સહન નહીં કરીએ. જો આપણે કંઈ નહીં કરીએ તો આવનારી પેઢી આપણા મૌન પર સવાલ ઉઠાવશે.’