કોર્ટે ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના પૂર્વ ધારાસભ્ય ચેન્નામનેની રમેશની નાગરિકતા કોર્ટે રદ કરી દીધી છે. કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે, ચેન્નામનેની ખુદને ભારતીય નાગરિક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. સુનાવણી દરમિયાન તેને જર્મન નાગરિક માનવામાં આવ્યો છે અને આ સાથે જ કોર્ટે તેના પર ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ બી. વિજયસેન રેડ્ડીએ રમેશની અરજી ફગાવી દીધી છે. તેમણે વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. જેમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવાની વાત કહેવામાં આવી હતી. અરજી ફગાવતા કોર્ટે રમેશ સામે ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, ૨૫ લાખ રૂપિયા વેમુલાવાડાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય આદિ શ્રીનિવાસને ચૂકવવા જોઈએ. બાકીના ૫ લાખ રૂપિયા તેલંગાણા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપવા જોઈએ.
એક અહેવાલ પ્રમાણે તેલંગાણા કોંગ્રેસ સરકારના સચેતક આદિ શ્રીનિવાસ ૨૦૦૯થી રમેશના ભારતીય નાગરિકતાના દાવા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમણે સૌથી પહેલા રમેશની દલીલોને પડકારતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી. રમેશ પાસે જર્મન નારિકતા હતી અને તેણે ૩૧ માર્ચ ૨૦૦૮ના રોજ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.
કોર્ટે કહ્યું કે, રમેશ જર્મનીથી કોઈ એવા દસ્તાવેજ રજૂ નથી કરી શક્યા જે પુષ્ટિ કરે કે તે હવે ત્યાંના નાગરિક નથી. ન્યાયાધીશે કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય ઘણી વખત જર્મની ગયા હતા અને જર્મન નાગરિકતા ધરાવતા હોવા છતાં તેઓ વેમુલાવાડાના ધારાસભ્ય હતા.
ચેન્નામનેની રમેશ રાજેશ્વર રાવના દીકરા છે. રાજેશ્વર રાવ તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થતા પહેલા અવિભાજિત આંધ્રપ્રદેશ રાજ્યમાં સીપીઆઈના ફ્લોર લીડર હતા. ચેન્નામનેની રમેશ ટીડીપીની ટિકિટ પર ૨૦૦૯માં પહેલીવાર વેમુલાવાડાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વતી ૨૦૧૦માં પેટાચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે ૨૦૧૪ અને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.