ઘઉંનો પુરવઠો વધારવા અને સંગ્રહખોરીની શક્યતાઓને દૂર કરવા માટે લીધો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ઘઉંની સ્ટોક લિમિટની સમીક્ષા કરતાં તેમાં ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. હવે વેપારીઓ અને મિલરો પહેલાં કરતાં ઓછો ઘઉંનો સ્ટોક રાખી શકશે. સિસ્ટમમાં ઘઉંનો પુરવઠો વધારવા અને સંગ્રહખોરીની શક્યતાઓને દૂર કરવા માટે સરકારે આ પગલું લીધુ છે.
ઘઉંના ભાવમાં વધારાના વલણને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. આ ર્નિણય વિશે માહિતી આપતાં ખાદ્ય મંત્રાલયે કહ્યું કે સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અને અટકળોને કારણે કિંમતો પર પડેલી અસરને દૂર કરવા માટે સ્ટોક લિમિટ લગાવી છે. જે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા કરતા વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, બિગ ચેઈન રિટેલર્સને લાગુ પડે છે.
મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, ઘઉંની કિંમત ઘટાડવા માટે કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ ઘટાડી છે જે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે. વેપારીઓ માટે સ્ટોક લિમિટ ૨૦૦૦ મેટ્રિક ટનથી ઘટાડી ૧૦૦૦ મેટ્રિક ટન કરવામાં આવી છે. રિટેલર્સ માટે, દરેક રિટેલ આઉટલેટના આધારે મર્યાદા ૧૦ થી ઘટાડીને ૫ કરવામાં આવી છે. બિગ ચેઇન રિટેલર્સ માટે, પ્રતિ આઉટલેટના આધારે મર્યાદા ૧૦ થી ઘટાડીને ૫ કરવામાં આવી છે. પ્રોસેસર્સ માટેની નવી મર્યાદા માસિક સ્થાપિત ક્ષમતાના ૬૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરવામાં આવી છે, જે એપ્રિલ સુધીના બાકીના મહિનાના આધારે નક્કી કરવામાં આવશે. સરકારના આ ર્નિણય બાદ બજારમાં ઘઉંની ઉપલબ્ધતા અને પુરવઠો વધશે. જેનાથી વધતા ભાવો પર નિયંત્રણ લાદી શકાશે. ઘઉં સસ્તા થવાની શક્યતા પણ છે. હાલમાં ઘઉંની વાવણી ચાલી રહી છે અને માર્ચમાં નવો પાક આવવાની શરૂઆત થાય છે. આ મર્યાદા પણ માર્ચ સુધી છે. જોકે બીજી તરફ સરકારે કહ્યું કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી.