સુરક્ષાકર્મીઓ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ સાથે પહોચી તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરમાં વધુ એક હુમલો થયો છે. શોપિયાંના જૈનાપોરા વિસ્તારના એક ગાર્ડનમાં બ્લાસ્ટ થવાથી હડકંપ મચી ગયો છે. આ બ્લાસ્ટની સૂચના મળતા જ સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે. જોકે, હાલમાં આ બ્લાસ્ટમાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી.. સુરક્ષાકર્મીઓની સાથે જ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. આખરે આ બ્લાસ્ટ કઈ વસ્તુમાં થયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ અગાઉ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન એક માઈન વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જવાન LOC પર થાનેદાર ટેકરીના સામાન્ય વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગનો હિસ્સો હતો જ્યારે ભૂલથી તેણે માઈન પર પગ મૂકી દીધો હતો, જેના પરિણામે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ૨૫ રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર વી સુબ્બૈયા વરિકુંટા શહીદ થઈ ગયા હતા. વ્હાઇટ નાઈટ કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવા અને તમામ રેન્કોએ સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર ને શ્રદ્ધાંજલિ આપી હતી.