દિલ્હીમાં આવતા વર્ષે ૨૦૨૫માં યોજાવા જઈ રહી છે વિધાનસભા ચૂંટણી
(સંપૂર્ણ સમાચાર સેવા )
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.
આ પહેલા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સિવાય INDIA ની અન્ય કેટલીક પાર્ટીઓને સામેલ કરવાની વાત ચાલી રહી છે. કોંગ્રેસને ૧૫ બેઠકો મળી શકે છે અને અન્ય INDIA ગઠબંધનના સભ્યોને ૧ કે ૨ બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ ૧૧ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં સોમવારે ૨૦ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં આવતા વર્ષે ૨૦૨૫માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીપંચ જાન્યુઆરીમાં ચૂંટણીની તારીખ પણ જાહેર કરી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ગઠબંધન નથી. ત્યારે ભાજપ પણ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.