સુપ્રીમ કોર્ટે જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા )
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. આ પછી મનીષ સિસોદિયાએ કોર્ટનો આભાર માન્યો હતો. સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી છે. જામીનની શરતો અનુસાર, તેને અઠવાડિયામાં બે વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં હાજર રહેવું પડતું હતું. સિસોદિયાની વિનંતી પર કોર્ટે આ શરત હટાવી દીધી છે. જોકે, કોર્ટે સિસોદિયાને ટ્રાયલમાં નિયમિત હાજર રહેવા કહ્યું છે.
મનીષ સિસોદિયાએ ટિ્વટ કરીને કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. સિસોદિયાએ ટિ્વટમાં લખ્યું કે, સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર, જેણે જામીનની શરત હટાવીને રાહત આપી છે. આ ર્નિણય માત્ર ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ મજબૂત બનાવતો નથી, પરંતુ આપણા બંધારણીય મૂલ્યોની મજબૂતાઈ પણ દર્શાવે છે. હું હંમેશા ન્યાયતંત્ર અને બંધારણ પ્રત્યેની મારી ફરજોનું સન્માન કરીશ. જય ભીમ, જય ભારત.
મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી થઈ હતી. વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સિસોદિયાની માંગણી મૂકી હતી. ૯ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સિસોદિયાને જામીન આપ્યા હતા. ઑગસ્ટમાં, સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ AAP નેતાને એમ કહીને જામીન આપ્યા હતા કે, કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થવાની આશામાં તેમને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, દારૂ નીતિ કૌભાંડના હાલના મામલે કેસમાં ૪૯૩ સાક્ષીઓના નામ છે અને આ કેસમાં હજારો પાનાના દસ્તાવેજો અને એક લાખથી વધુ પાનાના ડિજિટાઇઝ્ડ દસ્તાવેજો સામેલ છે.