પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ દ્વારા બોલાવવામાં આવેલી મહારાષ્ટ્રના પરભણી જિલ્લા બંધ આંદોલને હિંસક રૂપ ધારણ કરી લીધું છે. પરભણી શહેરમાં રસ્તા પર પથ્થરમારો અને આગની ઘટનાઓ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ કાબૂમાં કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. એટલા માટે અમુક જગ્યાએ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જ્યાં જિલ્લાધિકારીએ કોઈ પણ અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.
વિગતો એવી છે કે પરભણી શહેરમાં કલેક્ટર કાર્યાલય સામે ડો. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. ત્યાં ભારતીય સંવિધાનની એક કોપી રાખવામાં આવી છે. જેને કોઈ અજાણ્યા શખ્સે સંવિધાનની કોપી ખરાબ કરી નાખી. તેની જાણકારી મળતા જ પરભણી શહેરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ. ગુસ્સે થયેલા આંબેડકરના અનુયાયીઓ દ્વારા રસ્તો રોકો, રેલ રોકો વિરોધ પ્રદર્શન કર્યા. તેમાં માંગ કરવામાં આવી છે કે, આ મામલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવે.
પરભણી બંધને લોકોને મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો છે. પરભણીમાં કડક લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે. શહેરના કેટલાય વિસ્તારો સવારથી જ બંધ છે. બજારો, દુકાનો, સ્કૂલો અને કોલેજોમાં કોઈ દેખાતું નથી. ત્યારે બંધના દિવસે કોઈ અપ્રિય ઘટના ન થાય, તેને રોકવા માટે જિલ્લામાં કેટલીય જગ્યાએ ભારે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે. ત્યારે અચાનક બંધ દરમ્યાન ભીડ આક્રમક થઈ ગઈ અને અમુક જગ્યા પર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા, તો વળી રસ્તા પર ઊભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી.
અમુક દુકાનોના બોર્ડ પણ તોડી નાખ્યા હતા. અમુક જગ્યાએ ભીડને કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો વળી અમુક જગ્યાએ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં હાલ કર્ફ્યૂની સ્થિતિ છે. જ્યાં સુધી આગળનો આદેશ ન આવે ત્યાં સુધી લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.