ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની સલાહ
મોહમ્મદ સિરાજ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાનું આક્રમક વલણ ચાલુ રાખે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાનું આક્રમક વલણ ચાલુ રાખે. શાસ્ત્રીએ કહ્યું હતું કે, સિરાજે પાછળ હટવું ન જોઈએ. અમારા સમયમાં ઓસ્ટ્રેલિયાને તેની જ ભાષામાં સમજાવવાનું માનવામાં આવતું હતું. આખી સીરિઝ દરમિયાન એક પણ ભારતીય ખેલાડીએ એક પગલું પણ પાછળ હટવું ન જોઈએ.
એડિલેડ ટેસ્ટમાં પ્રેક્ષકો દ્વારા મોહમ્મદ સિરાજનું હૂટિંગ કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન સિરાજની માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે સિરાજને મેચ ફીના ૨૦ ટકા દંડ અને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું હતું કે, મને ખાતરી છે કે સિરાજ અને હેડ ઘણાં પરિપક્વ ખેલાડી છે. આ બાબતોને કેવી રીતે ઉકેલી શકાય તેઓએ જાણે છે.
ગમે તે હોય છગ્ગા ફટકાર્યા પછી હું ઝડપી બોલર પાસેથી કંઈ અપેક્ષા રાખી શકતો ન હતો. સિરાજે થોડી લાગણીઓ વ્યક્ત કરી હતી, જે કોઈ પણ ઝડપી બોલર કરી શકે છે. જ્યારે હું રમતો હતો ત્યારે મારી નીતિ સામેવાળાને તમારાથી બને તેટલો શ્રેષ્ઠ જવાબ આપવાની હતી. જ્યારે હું કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયો હતો ત્યારે મેં મારા ખેલાડીઓને આ જ વાત કહી હતી. એક ડગલું પણ પાછું ન લેવું જાેઈએ. આ ટીમનું વલણ બની ગયું અને ત્યારથી વિરાટ કોહલી, રિષભ પંતથી લઈને ટીમના તમામ સભ્યોએ ઓસ્ટ્રેલિયાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.