શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોનું એલાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવે અમે ૧૪ ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને ૩૦૩ દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ ૧૫માં દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.
તેમણે કહ્યું કે, બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે ૧૪ ડિસેમ્બરે ૧૦૧ ખેડૂતોને મોકલીશું. અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અથવા અટકાયત કરવામાં આવી હતી. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને પ્રદર્શન કરતા અમારા વિરોધનો પ્રચાર કરો. આ પહેલા સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ૧૦૧ ખેડૂતોના જૂથે ૬ અને ૮ ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા. પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બોર્ડર પર દેખાવ-પ્રદર્શનો સાથે દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.