ચાર નવા સિમેન્ટ પ્લાન્ટ અને જયપુર એરપોર્ટનો વિકાસ થશે
ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેંટ સમિટનું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જયપુરમાં રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેંટ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કરણ અદાણીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં રાજસ્થાનમાં ૭.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
અમે રાજસ્થાનમાં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવીશું. અદાણી જૂથ રાજસ્થાન માટે પ્રતિબદ્ધ છે. રાજસ્થાનમાં ચાર નવા સિમેન્ટ પ્લાન્ટ અને જયપુર એરપોર્ટનો વિકાસ પણ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪માં જ્યારે પ્રધાનમંત્રીએ સત્તા સંભાળી ત્યારે આપણો GDP ૧.૮૫ ટ્રિલિયન ડોલર હતો. છેલ્લા એક દાયકામાં આ સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. ૨૦૧૪માં જ્યારે વડાપ્રધાને સત્તા સંભાળી ત્યારે ૨૩ ટકા લોકો ગરીબીમાં જીવતા હતા. જેમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. પ્રધાનમંત્રી આશા અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે.
૯ થી ૧૧ ડિસેમ્બર સુધી યોજાનારી ત્રણ દિવસીય ઇન્વેસ્ટમેન્ટ સમિટની થીમ ‘કમ્પ્લીટ, રિસ્પોન્સિબલ, રેડી’ છે. આ સમિટમાં જળ સુરક્ષા, ટકાઉ નાણાં, સમાવિષ્ટ પ્રવાસન, કૃષિ-વ્યવસાય નવીનતા અને મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર ૧૨ ક્ષેત્રીય વિષયોનું સત્ર હશે. શિખર સંમેલન દરમિયાન આઠ દેશોના સત્રો પણ યોજાશે.