ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ છે. ખેડૂતોએ દિલ્હી તરફ પગપાળા કૂચ કરી હતી, પરંતુ હરિયાણા પોલીસે તેમને પૂલ પર અટકાવ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ અને પછી ઘર્ષણ શરૂ થયું. ખેડૂતોને રોકવા માટે પોલીસે તેમના પર ટિયર ગેસ છોડ્યા હતાં, જેમાં ઘણાં ખેડૂતો ઘાયલ થયા હતા. ટિયર ગેસના છોડવાને કારણે ખેડૂતોને થોડાક મીટર સુધી પીછેહઠ કરવી પડી હતી. આ ખેડૂતોમાંથી કેટલાકે મોઢા ઢાંકેલા હતા અને કેટલાકે ચશ્મા પહેર્યા હતા. કેટલાક ખેડૂતો ભીની શણની થેલીઓથી ટિયર ગેસના શેલથી પોતાને બચાવતા જોવા મળ્યા હતા.
બેરિકેડ સુધી પહોંચ્યા બાદ તેમને વિખેરવા માટે પાણીના જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, દિલ્હી ચલો માર્ચમાં ભાગ લેનારા ખેડૂતોએ એક દિવસ માટે તેમનો વિરોધ સ્થગિત કરી દીધો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, ઘાયલોની સારવાર માટે પદયાત્રા રોકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ખેડૂત નેતાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ફૂલોની પાંખડીઓના વરસાદની માત્ર બે મિનિટ પછી શેલ ફેંક્યા હતા, જેનાથી ભોળા ખેડૂતોને તેમની જાળમાં ફસાવીને હુમલો કરવામાં આવ્યો છે.
દિલ્હી ચલો માર્ચ દરમિયાન, ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે શંભુ બોર્ડર પર જૂથને પાછા બોલાવવાની જાહેરાત કરી. પંધેરે કહ્યું, “અમે ખેડૂતોને પાછા બોલાવવાનો ર્નિણય લીધો છે. એક ખેડૂતને ગંભીર હાલતમાં પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ૮-૯ અન્ય ઘાયલ છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની બેઠક બાદ આગળની વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે.”
ખેડૂતોના આંદોલનના ભાગરૂપે છેલ્લા ૩૦૦ દિવસથી શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો ‘દિલ્લી ચલો’ માર્ચ અંતર્ગત આજે દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવ સિવાય, ખેડૂતો તેમની અન્ય તમામ માંગણીઓ સંતોષવા માટે વિરોધ કરવા દિલ્હી જવા તૈયાર છે. ખેડૂત આગેવાનોની જાહેરાત મુજબ બપોરે ૧૨ વાગ્યાથી ખેડૂતોના ૧૦૧ જૂથ દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે, તેમને રોકવા માટે પોલીસે ત્રણ સ્તરના બેરિકેડ તેમજ રસ્તા પર લોખંડની ખીલીઓ લગાવી દીધી છે, જેથી ખેડૂતોને રોકી શકાય. ૬ ડિસેમ્બરે હરિયાણા પોલીસ સાથે ખેડૂતોની ખૂબ જ હિંસક અથડામણ થઈ હતી અને પોલીસે ટિયર ગેસ પણ છોડ્યા હતાં. ખેડૂત આગેવાનોએ શનિવારે કેન્દ્ર સરકારને મંત્રણા માટે સમય આપ્યો હતો પરંતુ કંઈ થયું ન હતું.
ખેડૂતોને આ મામલે વિરોધ પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો પર ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશ ત્યારે જ ખુશ થશે જ્યારે ખેડૂતો ખુશ હશે. તેમણે કહ્યું કે, ખેડૂતોને દિલ્હી આવતા રોકવામાં ન આવે. આ સાથે જ ખેડૂતોના આંદોલન પર કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે, ખેડૂતોએ માર્ચ કરવાની જરૂર નથી. તેમના (ખેડૂત) પાંચ પ્રતિનિધિઓએ આવીને સરકાર સાથે વાત કરે.
સરકાર મંત્રણા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં પદયાત્રાનું બહાનું રચીને રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે.