લગ્નને લઈ માતા અને પુત્ર વચ્ચે થઈ હતી બોલાચાલી
પુત્રએ પોલીસને હત્યાને લુંટમાં જણાવી ગેરમાર્ગે દોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરી ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. અહીંયા હત્યા જેવા બનાવો તો જાણે કે સામાન્ય બાબત બની ગઈ હોય તેવી સ્થિતિ છે. ત્યારે વધુમાં ફરી અહીંયા એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વિશે સાંભળીને તમે પણ નવાઈ પામી જશો. અહીંયા એક પુત્રએ જ તેની માતાની હત્યા કરી નાખી અને બાદમાં પોલીસને ફોન કરીને એવી વાત કરી કે પોલીસ પણ ૨ ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી.
બનાવની વિગતવાર વાત કરીએ તો આ બનાવ સામે આવ્યો છે દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં કે જ્યાં પુત્રએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં માતાએ તેના પુત્રને મિલકતમાંથી બેદખલ કરવાની વાત કરી જે વાતને લઈને આવેશમાં આવીને પુત્રએ માતાની હત્યા કરી નાખી અને પોલીસને ફોન કરીને લૂંટની ઘટના જણાવી.
પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસને સાવન નામના યુવકનો ફોન આવ્યો જેમાં તેણે જણાવ્યું કે કોઈએ તેની માતાની હત્યા કરી નાખી અને માતાના કાનમાં જે બુટ્ટીઓ હતી તે લઈ લીધી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં પોલીસને આ ઘટના લૂંટની નહોતી લાગી. કારણ કે સ્થળ પર કોઈ લૂંટ નહોતી થઈ અને બધો કિંમતી સામાન ઘરમાં જ પડ્યો હતો. જોકે પોલીસે પછી આ મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
સમગ્ર મામલે જ્યારે આસપાસમાં પૂછપરછ કરી તો સામે આવ્યું કે મહિલાના પતિનું મોત ૨૦૧૯માં થયું હતું અને તેના ૨ પુત્રો હતા. જેમાં તેના નાના પુત્ર સાવનનું આચરણ પોલીસને શંકાસ્પદ લાગ્યું. આ મામલે પોલીસે જ્યારે તેની કડક પૂછપરછ કરી તો હત્યારો પુત્ર ભાંગી ગયો અને તેણે કબૂલ કર્યું કે તેણે જ તેની માતાની હત્યા કરી હતી. જેથી આ બનાવને લઈને હાલ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ પૂછપરછમાં હત્યારા પુત્ર સાવને કબૂલ કર્યું કે તેના મોટા ભાઈ કપિલના હાલ જ લગ્ન થયા હતા. જેથી તેણે તેની માતાને કહ્યું કે મારે પણ એક છોકરી સાથે લગ્ન કરવા છે જેને તે છેલ્લા કેટલાય સમયથી ઓળખે છે. જોકે પુત્રની વાત સાંભળીને માતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું જો ફરી વાર આ વાત કરી તો તેને સંપત્તિમાંથી કશું નહીં મળે. આ વાતને લઈને પુત્ર રોષે ભરાયો અને તેણે તેની માતાની હત્યા કરી નાખી. હત્યારા પુત્રએ એવું પણ કહ્યું કે હું મારી મહિનાની કમાણી પણ મારી માતાને આપી દેતો હતો. માતાની આ વ્યવહારને કારણે તેણે હત્યાની યોજના બનાવી અને પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો અને હત્યારા પુત્રને હાલ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.