ભુવાએ ૧૨ લોકોની હત્યાની કબૂલાત કરતા ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધર્મ અને આસ્થાના નામે લોકો પાસેથી પૈસા પડાવનારા ઘણા લોકો છે, પરંતુ પૈસા પડાવવાની સાથે છેતરપિંડી કરનારાઓ પણ લોહિયાળ રમત રમવામાં જરાય અચકાતા નથી. એક ભુવાએ તાંત્રિક વિધિના નામે લોકોને લલચાવીને મારી નાખવાનો ખેલ શરૂ કર્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ વ્યક્તિએ પોતાની તાંત્રિક વિધિથી લોકોને આકર્ષવા માટે એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. જોકે આખરે આ હત્યારો ભુવો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ તે ભુવાનું મોત થયું છે. જણાવી દઈએ કે, મૂળ સુરેન્દ્રનગર વઢવાણનો રહેવાસી નવલસિંહ ચાવડાની અમદાવાદની સરખેજ પોલીસે અનેક લોકોની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસે વઢવાણ લઈ જઈ પૈસા ડબલ કરવાની લાલચ આપનાર ભુવાને કારખાનેદારની હત્યાના કેસ મામલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ બાદ તેને ફરીથી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો હતો. ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં આવી રીતે ૧૨ લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે આ ભૂવાની ૩ ડિસેમ્બરના રાત્રે ૧ વાગ્યા આસપાસ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમણે ૧૨ જેટલી હત્યા કરી છે. રાજકોટમાં ૩ , સુરેન્દ્રનગરમાં ૩ , અસલાલીમાં ૧, અંજારમાં ૧ સહિત ૧૨ લોકોની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત કરી હતી. આ ભૂવો પૈસા ડબલ કરવાની લાલચ આપીને સોડિયમ નાઈટ્રેટ પાણી અથવા દારૂ સાથે પીવડાવતો હતો. આથી, ૧૫થી ૨૦ મિનિટમાં પીડિત મૃત્યું પામી જાય છે. આથી, પીએમમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ભૂવો સોડિયમ નાઈટ્રેટ સુરેન્દ્રનગરમાં આવેલી લેબોરેટરીમાંથી ૨૦ રૂપિયાનું ૧૦૦ ગ્રામ લઈ આવતો હતો. સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ લોન્ડ્રી જેવા કામોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સોડિયમ નાઈટ્રેટથી મોત થાય છે તેની જાણ કોઈ અન્ય ભૂવાએ આરોપીને કરી હતી. આ ભૂવાએ તેની સગી માતા, દાદી અને તેમના કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યા હોવાની વાત સામે આવી છે.
તેની કબૂલાત બાદ સવારે લોકઅપમાં ભુવાની તબિયત લથડી હતી. લોકઅપમાં વોમિટ થતા તે અંદર જ ઢળી પડ્યો હતો. આ બાદ, પોલીસ દ્વારા ભુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે હત્યાના ગુના મામલે તેની ધરપકડ કરી હતી. ત્યારે સુરેન્દ્રનગરનો આ ભુવા કેવી રીતે યુટ્યુબર બન્યો અને પછી તેણે “ક્રાઈમ પેટ્રોલ” જેવા શો જોયા પછી કેવી રીતે હત્યાઓ કરવાનું શરૂ કર્યું અને સિરિયલ કિલર બની ગયો હતો.
આરોપી નવલસિંહ ચાવડા ભુવાજી તરીકે ઓળખાય છે. તે તાંત્રિક વિધિ કરતો હતો, જેમાં તે વ્યક્તિને વિશ્વાસમાં લેતો હતો અને પૈસાની ઉચાપત કર્યા બાદ તેને પીવા માટે સોડિયમ નાઈટ્રેટ મિશ્રિત પાણી અથવા દારૂ આપતો હતો. જેના કારણે વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ પણ થઈ શકે છે.જો પીડિતનું મૃત્યુ થાય છે, તો મામલાને હાર્ટ એટેક અથવા અકસ્માત અથવા આત્મહત્યા કહી શકાય અને તે આખી રકમ પોતાની પાસે રાખી શકે છે, તેવું કાવતરું કરતો હતો.
મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી તાંત્રિક નવલસિંહ ચાવડા છેલ્લા ૭ માસથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેવા આવ્યો હતો. આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડા પોતે લોકોને મેલડી માતાનો ભુવો અને તાંત્રિક વિધિ જાણતો હોવાનું જણાવતો હતો અને તાંત્રિક વિધિ કરાવીને ચાર ગણા પૈસા કરી દેવાની લાલચ આપતો હતો.
અભિ નામના યુવકને વિશ્વાસમાં લઈ ચાર ગણી રકમ આપવાની લાલચ આપીને પણ પૈસા પડાવી લીધા હતા. જે બાદ તે તાંત્રિક ક્રિયાના નામે તેને પાણી અથવા દારૂમાં કોઈ પદાર્થ પીવડાવીને પૈસા પડાવવાની યોજના ઘડી રહ્યો હતો. જોકે, ઘટના બને તે પહેલા જ માહિતીના આધારે આરોપીની પોલીસે આરોપી સુધી પહોંચી ગઈ હતી.
આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તે ૧ ડિસેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ સનાથલ સર્કલ પાસે પૈસા લઈને અભિને ફોન કરવા જતો હતો. ત્યારબાદ તાંત્રિક ક્રિયાના બહાને તેને પાણી કે દારૂમાં સોડિયમ નાઈટ્રેટ આપી અડધો કલાકમાં ચાર ગણી રૂપિયા લઈ જવા કહેતો હતો. આ દરમિયાન જો તેણે સોડિયમ નાઈટ્રેટ પીધું હોત તો ૨૦ થી ૩૦ મિનિટમાં તેનું મૃત્યુ થઈ ગયું હોત અથવા તો હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હોત અને તે પૈસા લઈને ફરાર થઈ ગયો હોત.
આરોપીએ જણાવ્યું હતું કે, તેણે આ પાવડર સુરેન્દ્રનગરની લેબમાંથી ખરીદ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પોતે જ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેમાં તેણે પોતે ભુવો હોવાનો દાવો કરતો વીડિયો પણ અપલોડ કર્યો છે. જેના દ્વારા તેમણે લોકોને વિશ્વાસમાં લીધા હતા. પોલીસને શંકા હતી કે, આરોપીએ આવી જ રીતે અન્ય ત્રણથી ચાર લોકોને પણ છેતરીને તેમની હત્યા કરી છે જાેકે, તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તેમણે ૩-૪ નહીં પરંતુ ૧૨ લોકોની હત્યા કરી છે.