એકબીજાને સામ-સામે ગોળી મારી હોવાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહો પર ગોળીઓના નિશાન જોવા મળી રહ્યા છે.
અહેવાલ અનુસાર બે પોલીસકર્મીઓ વચ્ચે કોઈ કારણોસર અંદરો-અંદર ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ એકબીજાને ગોળી મારી દેતાં બંનેના મોત નીપજ્યાં હતા. માહિતી અનુસાર ઉધમપુરમાં જિલ્લા હેડક્વાર્ટરમાં કાળી માતાના મંદિરની બહાર ઊભેલી એક પોલીસ વાનમાંથી બંને પોલીસકર્મીઓના મૃતદેહો મળ્યા હતા.
જેના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બંનેના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં દાવો કરાયો કે બંનેના મોત એકબીજા પર ગોળી ચલાવવાથી થયા છે પણ હજુ સુધી આ મામલે પુષ્ટી થઈ શકી નથી અને તપાસ હાથ ધરવામાં આવી છે.