સેમિ ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૪ની ફાઇનલમાં પહોંચ્યું છે. સેમિ ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું હતું. શારજાહમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે ૧૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ કરી ૩૬ બોલમાં ૬૭ રનની ઇનિંગ રમી હતી. જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. ભારતે ૧૭૦ બોલ બાકી રહેતા સેમિ ફાઇનલ મેચ જીતી લીધી હતી. અંડર ૧૯ એશિયા કપના નોકઆઉટ રાઉન્ડમાં આ સૌથી મોટી જીત છે.
આ સેમિ ફાઇનલ મેચ જીતીને ભારતીય ટીમ નવમી વખત અંડર ૧૯ એશિયા કપના ફાઈનલમાં પહોંચી છે. ભારત અત્યાર સુધીમાં આઠ વખત આ ખિતાબ જીતી ચુક્યું છે. અંડર-૧૯ એશિયા કપ અત્યાર સુધીમાં ૧૧ વખત આયોજિત થયો છે, અને તેમાંથી ભારત નવ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતે સાત વખત સતત જીત મેળવી છે. અને એક વખત ટ્રોફી શેર કરી છે. આ વખતે ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.
લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમ માટે વૈભવ અને મ્હાત્રેએ મજબૂત શરૂઆત કરી હતી. બંનેએ વિસ્ફોટક બેટિંગ કરી ૮.૨ ઓવરમાં ૯૧ રન બનાવ્યા હતા. વૈભવે છેલ્લી મેચથી તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. વૈભવે ૨૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ૬૭ રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. વૈભવે પોતાની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. મ્હાત્રે પણ ૨૮ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૩૪ રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ વિહાસ થિમિકાએ લીધી હતી. ભારતની ત્રીજી વિકેટ આન્દ્રે સિદ્ધાર્થ (૨૨)ના રૂપમાં પડી હતી. પરંતુ કેપ્ટન મોહમ્મદ અમાન (૨૫) અને કેપી કાર્તિકેય (૧૧)એ મળીને ૨૭ રન ઉમેર્યા અને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય બોલર ચેતન શર્માની બોલિંગને કારણે શ્રીલંકાની ત્રણ વિકેટ માત્ર આઠ રનમાં પડી ગઈ હતી. પુલિન્દુ પરેરા રન આઉટ થયા બાદ ચેતને સતત બે બોલમાં દુલનિથ સિગેરા (૨) અને વિમથ દિનસારાને આઉટ કર્યા હતા. શરુજન શણમુગનથન (૪૨) અને લકવિન અબેસિંઘે (૬૯) સાથે મળીને ચોથી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી કરી હતી.
પરંતુ આયુષ મ્હાત્રે શરુજનને આઉટ કર્યા બાદ શ્રીલંકાની બેટિંગ પડી ભાંગી હતી. શ્રીલંકાએ છેલ્લી સાત વિકેટ ૬૨ રનમાં ગુમાવી દીધી હતી. ભારત તરફથી ચેતન શર્માએ ૩૪ રનમાં ત્રણ, કિરણ ચોરમલે અને આયુષ મ્હાત્રેએ બે-બે વિકેટ લીધી હતી.