શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદેશ જતા વિધાર્થીઓ માટે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર ખાતે વાઈસ ચાન્સેલર સમિટનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુવાધન બહાર ભણવા જાય ત્યાં મોટી કંપનીઓમાં CEO બને તો આપણે ફુલાઈ જઈએ છે. આ ફુલાવવાનો નહીં પણ ચિંતાનો વિષય છે. આપણે અહીં એવું વાતાવરણ ન આપી શકીએ?’
દેશ બહાર જતા યુવાધન અંગે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ‘આજે કોઈ શાળા કે કોલેજના વર્ગખંડમાં જઈને પૂછીએ કે કોને વિદેશ જવાની ઈચ્છા છે? તો લગભગ ૫૦ ટકા વિદ્યાર્થીઓને વિદેશ જઈ કારકિર્દી બનાવવાનું સપનુ છે. આજે વિદેશ જવાનો જાણે વાયરો ફુંકાયો છે. હોશિયાર વિદ્યાર્થીઓને જ વિદેશ જવું છે તેવું નથી. હોશિયાર વિદ્યાર્થી નથી તેને પણ વિદેશ જવું છે. આર્થિક રીતે ખર્ચને પહોંચી વળે તેમ નથી તેમને પણ ગમે તેમ કરી ભારતની બહાર જતું રહેવું છે. શહેરની સાથે ગામડાના યુવાનોએ પણ વિદેશની વાટ પકડી છે.
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી લોકો અભ્યાસ, નોકરી અને ધંધા-વ્યવસાય માટે વિદેશ જાય છે. પરંતુ, લગભગ ૭૦ના દાયકાથી વિદેશ જવાની માનસિકતા વધી છે. વિદેશ જતા રહેવાની વાતને બ્રેઇન ડ્રેઈન કહેવામાં આવે છે કારણ કે, હોશિયાર લોકો દેશ છોડીને જતા રહે છે, તેને કારણે દેશને નુકસાન છે.
સાથે-સાથે સામાજિક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરિણીત યુવાધન પણ હવે વિદેશ જવા માંગે છે. એકના એક દીકરા પણ મા-બાપને છોડી વિદેશ જાય છે. જેનાથી હવે ભારતમાં સિનિયર સિટિઝન એકલા થતા જાય છે. જેમ ગામડાઓમાં માત્ર ઘરડા મા-બાપ છે. તેમ હવે શહેરમાં પણ ડોલરની રાહ જાેતા ઘરડા મા-બાપ અસુરક્ષાની ભાવના સાથે જીવતા હશે.આ પ્રશ્ન વિકરાળ થતો જશે.’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશમાં ઠલવાતા યુવક-યુવતીઓની સંખ્યા ખૂબ મોટી થતી જાય છે. ત્યાં પણ વિદ્યાર્થીઓની ડિસિપ્લીનના પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષણના ખર્ચને પહોંચી વળવા બાળક ઉપર પ્રેશર હોય છે. ત્યારે ગેરકાયદે નોકરી કે ન કરવાના કામ કરવા કે જીવનના રાહમાંથી ભટકી જવાના દાખલા બનવા લાગ્યા છે. ડ્રગ્સ કે લૂંટફટમાં પણ હવે યુવાધન ફસાવવા લાગ્યું છે.