બેલ્જિયમ દેશે સેક્સ વર્કર્સને નોકરીયાતોની જેમ સુવિધાઓ આપવા માટે કાયદો બનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેલ્જિયમ પહેલો એવો દેશ બન્યો છે જેણે સેક્સ વર્કર્સને પણ સામાન્ય નોકરીયાતોની જેમ સુવિધાઓ આપવા માટે કાયદો બનાવ્યો છે. બેલ્જિયમના નવા કાયદા હેઠળ સેક્સ વર્કર્સ પણ કરાર હેઠળ કામ કરી શકશે જેમાં સ્વાસ્થ્ય વીમો, પેન્શન, સીક લીવ, મેટરનિટી લીવ વગેરે જેવી સુવિધાઓ સામેલ હશે. એટલે કે તેને નોકરીની જેમ માન્યતા અપાશે.
૨૦૨૨માં જ બેલ્જિયમે આ વ્યવસાયને ક્રાઈમ કેટેગરીમાંથી બહાર કર્યો હતો. બેલ્જિયમ ઉપરાંત પેરુ અને તુર્કીમાં પણ આ વ્યવસાયને કાયદેસર માન્યતા મળેલી છે. આ અગાઉ ઈરોટિક મસાજ પાર્લર અને અન્ય જગ્યાઓ પર ગેરકાયદેસર હીતે જ સેક્સ વર્કર્સે કામ કરવું પડતું હતું. તેના બદલે તેમને કેશમાં પૈસા મળતા હતા. આ શોષણનો એક ખુલ્લો દરવાજો હતો.
હવે નવા કાયદામાં કહેવાયું છે કે સેક્સ વર્કર્સની પણ ભરતી કરતી વખતે તેમના ક્રિમિનલ રેકોર્ડ પણ ચેક કરવા જરૂરી છે. આ સિવાય પોતાના કર્મચારીઓને સન્માન અપાવવાની પણ રિક્રુટરની જવાબદારી છે. અનેક સંગઠનોએ જોકે આ નવા કાયદાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આના કારણે વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન મળશે અને હ્યુમન ટ્રાફિકિંગ પણ વધશે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે આ સમાજની સચ્ચાઈ છે કે સેક્સ વર્કર હોય છે. આ ખુલ્લેઆમ હોય કે પછી છૂપાયેલું હોય. આવામાં સેક્સ વર્કર્સને પણ સન્માન અને સુરક્ષાથી જીવવાનો અધિકાર છે.
સેક્સ વર્કર્સનું માનવું છે કે અનેક વખત તેમણે ઈચ્છા વિરુદ્ધ પણ શોષણનો ભોગ બનવું પડે છે. જો કાયદો તેમના પક્ષમાં હોય તો તેઓ સરળતાથી તેનો વિરોધ કરી શકે છે. આ સિવાય જો કામ આપનારા વ્યક્તિ ખરાબ વર્તન કરે તો તેમના વિરુદધ કાર્યવાહી પણ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કોરોના મહામારી વખતે કામની કમીના કારણે સેક્સ વર્કર્સ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ દેશભરમાં પ્રદર્શન થયા અને સરકારે તેને કાયદેસર રીતે માન્યતા આપી દીધી.