ગડકરીએ રોડ અકસ્માતમાં થયેલી મોત પર રોષ વ્યક્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં પોતાના મંત્રાલય સાથે જોડાયેલા કાર્યો અને સવાલોના જવાબ આપ્યા હતાં. આ દરમિયાન ગડકરીએ રોડ અકસ્માતમાં થયેલી મોત પર રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેઓએ રોડ પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી માંડી ટોલ સેન્ટરોની સંખ્યાને લઈને પણ જવાબ આપ્યો હતો.
હકીકતમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી સાંસદ હનુમાન બેનીવાલે લોકસભામાં દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વેની ખામીઓ ગણાવી હતી. બેનીવાલે જણાવ્યું કે, અહીં ૧૫૦થી વધારે લોકોના મોત થઈ ગયાં છે. ફક્ત દૌસામાં જ ૫૦ થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. આ સાથે જ એક્સ્પ્રેસ-વે પર મૂકવામાં આવેલા કોન્ટ્રાક્ટર અને ઓફિસરો પર કાર્યવાહી અને તપાસ રિપોર્ટને લઈને કેન્દ્રીય મંત્રી પાસેથી જાણકારી માંગી હતી.
આ પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે, આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે અને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવ્યો છે. જેની કિંમત એક લાખ કરોડ રૂપિયા છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના જવાબમાં કહ્યું કે, લેયરમાં ફરક પડ્યો છે, પરંતુ સામગ્રીમાં કોઈ છેડછાડ કરવામાં નથી આવી. અમુક જગ્યાએ લેયર જરૂર દબાઈ ગયા છે, જેની જાણ થઈ છે. અમે તેને સુધારવા માટે કહ્યું હતું અને તે સુધારવામાં આવી રહ્યા છે. જ્યાં લેયરમાં ફરક પડ્યો છે, તેના માટે ૪ કોન્ટ્રાક્ટરને અમે જવાબદાર ગણાવી તેમને નોટિસ આપવામાં આવી છે. આ તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે અધિકારીઓ સામેલ છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ગડકરીએ આ વિશે કહ્યું કે, જો આવી ખરાબ ક્વોલિટીવાળું કામ કોન્ટ્રાક્ટર કરે છે તો છ મહિના સુધી કોઈ ટેન્ડર ભરી નહીં શકે તેવી નીતિ અમે બનાવવામાં આવી છે. આ સિવાય જે અધિકારીઓ સામેલ છે, તેમની સામે પણ કાર્યવાહી કરી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મારા વિભાગે ૫૦ લાખ કરોડના કામ કર્યા છે. કોઈપણ કોન્ટ્રાક્ટરને પોતાના કોન્ટ્રાક્ટ માટે મંત્રાલયમાં નથી આવવું પડતું. અમે પારદર્શી છીએ, સમય સીમાને લઈને પ્રતિબદ્ધ છે અને પરિણામ ઈચ્છીએ છીએ. હું સાર્વજનિક સભામાં કહી ચૂક્યો છું કે, જો કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આ વર્ષે જુઓ કોન્ટ્રાક્ટરને કેવી રીતે બ્લેક લિસ્ટ કરાવ્યા છે. તેઓને એકદમ સીધા કરી દઇશું. અમે કોઈની સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતાં.
ગડકરીએ લોકસભામાં માર્ગ અકસ્માતના આંકડા પર ચિંતા વ્યક્ત કરી. ગડકરીએ કહ્યું કે, તમામ પ્રયાસો છતાં દેશમાં માર્ગ અકસ્માતના કારણે એક વર્ષની અંદર ૧.૬૮ લાખ લોકોની મોત થઈ ગઈ છે. આ દુર્ઘટનાઓમાં મૃતકોની સંખ્યામાં ૬૦ ટકા હતાં. તેઓએ સંસદમાં કહ્યું કે, આ સ્થિતિ દુઃખદ છે અને તેને રોકવા માટે સમાજને સહયોગ કરવાનો રહેશે.
વધુમાં મંત્રીએ કહ્યું કે, દુઃખની સાથે કહેવું પડી રહ્યું છે કે, પ્રયાસ કર્યા છતાં એક વર્ષમાં ૧.૬૮ લાખ મોત થઈ ચુકી છે. આ લોકો દંગામાં નહીં, માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. મૃતકોમાં ૬૦ ટકા યુવાનો હતાં. જ્યારે હું મહારાષ્ટ્રમાં નેતા પ્રતિપક્ષ હતો તો માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયો હતો અને ચાર જગ્યાએ શરીરમાં હાડકા તૂટી ગયા હતાં. હું આ સ્થિતિને સમજી શકુ છું. હું સાંસદોને અપીલ કરૂ છું કે, તેઓ પણ માર્ગ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સામે આવીને સહયોગ કરે.