શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા )
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂમના પાર્કિંગના ભાગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો . જેમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, આગ લાગતાં નાશ ભાગ થઈ હતી, અને ઉપરના બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો બહાર નીકળી ગયા હતા. જોકે ફાયરની ટુકડીએ તુંરતજ પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂમવાળા બિલ્ડિંગમાં કરણ રેસીડેન્સીના સેલરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સેલરના ભાગમાં મોટું જનરેટર મૂકવામાં આવ્યું છે, જ્યાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા સેલરમાંથી બહાર નીકળી રહ્યા હતા, જેને કારણે ભારે દોડધામ થઈ હતી.
ત્યારે આ બિલ્ડિંગમાં અનેક રહેવાસીઓ વસવાટ કરે છે જે તમામ લોકો ભયના માર્યા બહાર આવી ગયા હતા, અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ફાયર શાખાની ટુકડીએ ગણતરીની મિનિટોમાં બનાવના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.