સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં મોટા ફેરફારની તૈયારીઓ શરૂ થઈ
નાણામંત્રીના નેતૃત્વમાં થઈ હતી ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રજૂ થનાર સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે સરકાર આવકવેરા પર ખાસ નજર રાખી રહી છે અને તેમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય આવકવેરા કાયદા અને કસ્ટમ્સ કાયદામાં ફેરફાર કરીને તેના કાયદાને સરળ બનાવવાનો છે, જેથી વિવાદોને અટકાવી શકાય અને તેને દેશના નવા મહેસૂલ માળખા અનુસાર બનાવી શકાય.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે નાણામંત્રી ર્નિમલા સીતારમણે ગયા અઠવાડિયે નાણા મંત્રાલયના તમામ સચિવો સાથે ૨૦૨૫ના બજેટમાં સુધારાને લઈને બેઠક યોજી હતી. જેમાં બે પ્રકારના ટેક્સ કાયદાની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ્ય આવકવેરા કાયદાની સમીક્ષા કરવાનો અને તેમાં સુધારો કરીને તેને સરળ બનાવવાનો છે.
આવકવેરા પર વિચારમંથન સરકારે ૨૦૨૪માં રજૂ કરેલા બજેટમાં પહેલેથી જ સંકેત આપ્યો હતો કે આવકવેરા કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને તેની જટિલતાઓને દૂર કરવા પર ચર્ચા કરવામાં આવશે. આ કામ માટે ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ વી.કે. ગુપ્તાના નેતૃત્વમાં ૨૨ વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિ ભારતીય કરવેરા કાયદાને વૈશ્વિક કાયદાની સમકક્ષ બનાવવા અંગે પોતાનો અહેવાલ આપશે. રિપોર્ટના આધારે કાયદામાં ફેરફાર કરવામાં આવશે અને તેને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવશે. તેનો હેતુ સરકારની આવક વધારવાનો અને તેના અનુપાલનને સરળ બનાવવાનો છે.
લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા નાણા મંત્રાલયે આવકવેરા પર રચાયેલી સમિતિઓ ઉપરાંત લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આ માટે ૬ ઓક્ટોબરે એક ઔપચારિક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેના પર અત્યાર સુધીમાં ૬,૫૦૦થી વધુ સૂચનો મળ્યા છે. અધિકારીનું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય આવકવેરા કાયદાને સરળ બનાવવા અને તેને કરદાતા માટે અનુકૂળ રાખવાનો છે. એવું માનવામાં આવે છે કે ફેરફાર ૨૦૨૫ના પહેલા ક્વાર્ટરથી જ શરૂ થશે.
કસ્ટમ ડ્યૂટીમાં પણ સુધારો થયો છે સરકારનું બીજું સૌથી મોટું લક્ષ્ય કસ્ટમ ડ્યૂટીમાં સુધારો કરવાનું છે. બજેટ ૨૦૨૪માં પણ આની જાહેરાત કરવામાં આવી છે. ફેરફારો હેઠળ, ટેરિફ માળખું સરળ બનાવવામાં આવશે અને આયાત ડ્યૂટીમાં લીકેજને પણ અટકાવવામાં આવશે. આ સિવાય સરકારનો હેતુ કસ્ટમ ડ્યૂટીને લઈને ચાલી રહેલા વિવાદોનો ઉકેલ શોધવાનો છે.