કેજરીવાલને પત્ર લખી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા )
દિલ્હી સરકારમાંથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલની રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની વધતી ઉંમરને ટાંકીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું કે,’હવે ઉંમરના કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માગુ છું, પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.’
કેજરીવાલને લખેલા પત્રમાં રામ નિવાસ ગોયલે લખ્યું છે કે, ‘હું તમને નમ્રતાપૂર્વક જણાવવા માંગુ છું કે છેલ્લા ૧૦ વર્ષથી મેં શાહદરા વિધાનસભાના ધારાસભ્ય અને સ્પીકર તરીકે મારી ફરજો કુશળતાપૂર્વક નિભાવી છે. તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે જેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે, આ માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. મારી ઉંમરને કારણે હું ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગુ છું. હું તમને ખાતરી આપું છું કે હું મારા તન, મન અને ધનથી આમ આદમી પાર્ટીની સેવા કરતો રહીશ. તમે મને જે પણ જવાબદારી સોંપશો તે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ.’
ઉલ્લેખનીય છે કે, રામનિવાસ ગોયલ લાંબા સમયથી રાજકારણમાં છે. ૧૯૯૩માં તેઓ ભાજપની ટિકિટ પર શાહદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં જ્યારે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ તેમાં જાેડાયા. આ પછી તેઓ છેલ્લી બે ચૂંટણીઓમાં સતત જીત્યા અને પછી વિધાનસભાના સ્પીકર બન્યા.