કોંગ્રેસના કાર્તિ ચિદમ્બરમે ભાજપ સરકારની કરી ટીકા
(સંપૂર્ણ સમાચાર સેવા )
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે બૅન્ક દ્વારા આપવામાં આવેલી લોનને લઈને મોદી સરકારની આકરી ટીકા કરી હતી. સાંસદે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સિબિલ સ્કોર સંબંધિત છ નિયમોનો મુદ્દો બનાવીને સરકારને ઘેરી હતી, જે લોનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નોંધનીય છે કે, આ નિયમો આવતા વર્ષ ૨૦૨૫થી લાગુ થવા જઈ રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતુ કે, ‘સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.’
સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે બૅન્કિગ કાયદા બિલ ૨૦૨૪ પર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, ‘આજે જો તમે બૅન્કમાં લોન લેવા જાઓ છો, તો તમને સિબિલ સ્કોર બતાવ્યા પછી જ પાછા મોકલવામાં આવે છે. સિબિલ સ્કોર અપડેટ કરતી સંસ્થા ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહી છે અને તેના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.’
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ‘સિબિલ સ્કોર અપડેટ કરવાનું કામ એક ખાનગી સંસ્થાના હાથમાં છે અને તે દેશના ૬૦ કરોડથી વધુ લોકોની ક્રેડિટ હિસ્ટ્રીને ટ્રેક કરીને રેટિંગ આપવાનું કામ કરી રહી છે. પરંતુ આ બધુ પારદર્શિતા વગર કરવામાં આવી રહ્યું છે, તેની અસર એ છે કે સિબિલના કારણે મોટા ભાગના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને લોન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.’
પહેલા એ જાણવું જરૂરી છે કે, સિબિલ સ્કોર શું છે અને કોઈપણ બૅન્કમાંથી લોન મેળવવી શા માટે મહત્ત્વપૂર્ણ છે? આજના સમયમાં મોટા ભાગના લોકોને લોન લેવાની જરૂર હોય છે અથવા અન્ય, પછી તે નવું ઘર ખરીદવા માટે હોય કે પછી તેમના બાળકના ભણતર માટે હોય કે લગ્ન માટે. આવી પરિસ્થિતિઓમાં, લોકો બૅન્ક તરફ વળે છે અને લોન માટે અરજી કરે છે. પરંતુ એ જરૂરી નથી કે તમામ અરજદારોને લોન મંજૂર થઈ જાય.
સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર બૅન્ક લોન પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ ડેટા તમારી લોન મંજૂર કરાવવાનું મુખ્ય માધ્યમ છે. જો તે સાચું છે, તો બૅન્ક તમને લોન આપવામાં સમય લેશે નહીં. પરંતુ જો તેને નુકસાન થાય છે, તો લોન અટકી શકે છે. સિબિલ સ્કોરના ડેટા દ્વારા બૅન્ક શોધી કાઢે છે કે તમે લીધેલી લોનની ચુકવણી કરવામાં સક્ષમ છો અને તેને પરત કરવામાં વિલંબ કરશો નહીં. એટલે કે, તે એક પરિબળ છે જે તમને લોન આપવા માટે બેંકોને વિશ્વાસ આપે છે. સામાન્ય રીતે, જાે આપણે બેંકો દ્વારા નિર્ધારિત ધોરણો પર નજર કરીએ તો, કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ૩૦૦થી ૯૦૦ પોઈન્ટની વચ્ચે હોય છે અને સિબિલ સ્કોર ૭૦૦થી ઉપરનો હોય તો તે શ્રેષ્ઠ સ્કોર ગણાય છે.