અગાઉ રાષ્ટ્રવ્યાપી બળવા દરમિયાન જાહેર કર્યો હતો માર્શલ લૉ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં માર્શલ લો લગાવવાની જાહેરાત કરી હતી. પ્રમુખે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી હતી. હકીકતમાં, સંસદમાં ભારે વિરોધ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે, શાસક અને વિપક્ષ બંને પક્ષોના ૩૦૦માંથી ૧૯૦ સાંસદોએ માર્શલ લોને નકારવા સર્વસંમતિથી મતદાન કર્યું હતું. જે બાદ માર્શલ લો હટાવવો પડ્યો હતો.
છેલ્લી વખત દક્ષિણ કોરિયાના પ્રમુખે ૧૯૮૦માં વિદ્યાર્થીઓ અને મજૂર સંગઠનોની આગેવાની હેઠળના રાષ્ટ્રવ્યાપી બળવા દરમિયાન માર્શલ લૉ જાહેર કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે, વિપક્ષી પાર્ટીઓ અને શાસક પક્ષના નેતાઓ પણ પ્રમુખના માર્શલ લૉ લગાવવાના ર્નિણયનો વિરોધ કરી રહ્યા હતા. યૂન સુક-યોલના આ ર્નિણયનો તેમની જ પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને સખત વિરોધ કર્યો હતો. હુને સંસદમાં માર્શલ લો વિરુદ્ધ મતદાનમાં પણ ભાગ લીધો હતો.
સાઉથ કોરિયામાં માર્શલ લો લાગુ થયા બાદ તણાવ વધ્યો હતો. સંસદની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. વિરોધ પક્ષો અને શાસક સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો હતો. સંસદની બહાર એકઠા થયેલા સેંકડો વિરોધીઓ અને મીડિયાકર્મીઓએ દક્ષિણ કોરિયાનો ધ્વજ લહેરાવ્યો અને દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષના નેતાએ પ્રમુખ યૂન સુક-યોલની માર્શલ લૉની જાહેરાતને ‘ગેરબંધારણીય’ ગણાવી. તેમણે કહ્યું કે, આ પગલું દેશના બંધારણની વિરુદ્ધ છે અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને નબળી પાડે છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ની જાહેરાત કરી અને તેમણે વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો, દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ટેલિવિઝન પર પ્રસારિત રાષ્ટ્રના નામે સંબોધનમાં આ જાહેરાત કરી હતી.
પ્રમુખ યૂન સુક-યોલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી દળો દ્વારા ઉભા કરવામાં આવેલા જાેખમોથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તત્વોને ખતમ કરવા ઈમરજન્સી માર્શલ લો જાહેર કરું છું.’ તેમણે દેશની સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરૂરી ગણાવ્યું હતું. આગામી વર્ષના બજેટને લઈને યૂનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.