હેરિટેજ વેલ્યુ જળવાઇ રહે તે પ્રકારે નવીનીકરણ કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આઝાદી પૂર્વે અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર બનાવેલાં ઐતિહાસિક ગણાતાં એલિસબ્રિજનાં રિનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો અને તેની હેરિટેજ વેલ્યુ જળવાઇ રહે તે પ્રકારે તેનુ નવીનીકરણ કરવામાં આવશે તેમ સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી ઉપર અંગ્રેજોએ સૌપ્રથમ બ્રિજ બનાવ્યો હતો. ૧૩૦ વર્ષ પહેલાં ચાર લાખ રૂપિયાનાં ખર્ચે બનેલાં ૧૪ સ્પાન અને આર્ચ ટાઇપ તથા બો સ્ટ્રીગ ટાઇપનો સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ વર્ષોથી એલિસબ્રિજ તરીકે ઓળખાય છે, જેને શાસક ભાજપે સ્વામી વિવેકાનંદ નામકરણ કર્યુ હતું.
તેમણે કહ્યું કે, ૧૩૦ વર્ષ જુના સ્ટીલનાં બ્રિજને સમય વીતવાની સાથે કાટ લાગવો તેમજ તેની ઉપરનાં રોડ અને તેને સપોર્ટને નુકશાન થયુ હોવાથી તેને છેલ્લા દસ વર્ષથી વાહનવ્યવહાર અને અન્ય કોઇ પ્રકારનાં વપરાશ માટે બંધ કરીને તેની બન્ને બાજુ નવા બ્રિજ બનાવવામાં આવ્યા હતા. જોકે થોડા સમય અગાઉ તેની ઉપરનાં રોડને નવેસરથી બનાવી નાગરિકો હરીફરી શકે તેવુ આયોજન કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેમાં જોખમ વધવાની શક્યતાને ધ્યાને લઇ એલિસબ્રિજને રાહદારીઓની અવરજવર માટે પણ બંધ કરી દેવાયો હતો.
મ્યુનિ.નાં હેરિટેજ મોન્યુમેન્ટમા સામેલ એવા એલિસબ્રિજને સમયની થપાટથી કેવા પ્રકારનુ અને કેટલુ નુકશાન થયુ છે તેનો મેટલજિકલ સર્વે રિપોર્ટ નિષ્ણાત કન્સલ્ટન્ટ એજન્સી પાસે તૈયાર કરાવ્યા બાદ એલિસબ્રિજ હજુ વર્ષો સુધી ટકી રહે અને શહેરની શાન વધારે તે માટે તેનાં રિનોવેશન માટે ૨૬.૭૮ કરોડનાં ટેન્ડરને ફેબ્રુઆરીમાં મંજૂરી આપવામાં આવી હતી. તદઉપરાંત આ પ્રોજેક્ટનાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન પ્રુફ ચેકિંગની કામગીરી સુરતની નામાંકિત ઇન્સ્ટીટ્યુટ એસવીએનઆઇટી પાસે કરાવવામાં આવી છે તેવી માહિતી આપતાં સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇએ કહ્યું કે, એલિસબ્રિજ નવીનીકરણની કામગીરી પશ્ચિમ છેડાથી શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, એલિસબ્રિજનાં રિનોવેશનમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવામાં આવશે અને તેની હેરિટેજ વેલ્યુ સાથે કોઇ પ્રકારનાં ચેડા કરવામાં આવશે નહિ. તેથી એલિસબ્રિજનાં નવીનીકરણ પૂરૂ થયાં બાદ તેમાં કોઇ મોટા ફેરફાર દેખાશે નહિ. પરંતુ એલિસબ્રિજ ઉપરનાં રોડની જગ્યાએ આર્કિટેક્ટનાં સલાહ-સૂચન મુજબ ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા, લાઇટીંગ અને અન્ય સજાવટ કરવામાં આવશે. ત્યારબાદ એલિસબ્રિજ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે અને અમદાવાદીઓ સહિત દેશવિદેશનાં પ્રવાસીઓ પણ અટલબ્રિજની જેમ એલિસબ્રિજ ઉપર લટાર મારવા મજબૂર બને તેવી કામગીરી કરવામાં આવશે.