હેલ્થ મેલેરિયા ખાતાના માનીતા કોન્ટ્રાક્ટરને જ ટેન્ડર લાગ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરનાં દાણીલીમડા વિસ્તારમાં આવેલાં અને ઝુંપડપટ્ટી સહિતનાં દબાણોથી ગ્રસ્ત એવા ચંડોળા તળાવમાંથી તરતો કચરો વગેરે સાફ કરવા માટે મ્યુનિ. હેલ્થ ખાતુ ૮૯ લાખ રૂપિયા ખર્ચશે.
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં તળાવોમાં ચોમાસા દરમિયાન જ પાણી હોય છે અને ત્યારબાદ તો મોટાભાગનાં સુકાઇને ખાબોચિયા બની જતાં હોય છે. તેમ છતાં તળાવોમાં ભરાતાં પાણીમાં તરતો કચરો, વેલ, લીલ, ઘાસ વગેરે જાેવા મળતાં હોય છે અને તેમાં મચ્છરનો ઉપદ્રવ થતો હોવાથી મ્યુનિ. હેલ્થ મેલેરીયા ખાતા દ્વારા સમયાંતરે તળાવોની સફાઇ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.સૂત્રોએ એવો કટાક્ષ કર્યો હતો કે, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં તળાવોની સફાઇનાં કોન્ટ્રાક્ટ હેલ્થ ખાતાનાં માનીતા કોન્ટ્રાક્ટરોને જ લાગે છે અને તેઓ એટલા અનુભવી બની ગયાં છે કે તેમનાં સિવાય બીજા કોઇને કામ મળતુ નથી.
જોકે હેલ્થ અને મેલેરીયા ખાતાનાં અધિકારીઓએ આ પ્રકારનાં આક્ષેપને ફગાવતાં એવો દાવો કર્યો હતો કે, તળાવોની સફાઇ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં કોઇ પણ એજન્સી કે કોન્ટ્રાક્ટર ભાગ લઇ શકે છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, તળાવોની સફાઇનાં કોન્ટ્રાક્ટ બે ત્રણ એજન્સીને જ મળે છે અને તેમાં એક જ પરિવારની બે એજન્સી હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.
સૂત્રોએ દાણીલીમડા ચંડોળા તળાવની સફાઇનાં ટેન્ડરની વિગતો આપતાં કહ્યું કે, ઇ-ટેન્ડરમાં ફર્સ્ટ લોએસ્ટ આવેલાં કુમાર એજ્યુકેશન સોસાયટી નામની એજન્સીને સળંગ છ માસ સુધી કામ સોંપવા અને છ માસ પૂરા થયા બાદ ફરી છ માસ માટે આ રીતે બે વર્ષ સુધી કામ સોંપવામાં આવશે. જેની પાછળ ૮૯ લાખનો જંગી ખર્ચ કરવામાં આવશે.
જાેકે સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, ચંડોળા તળાવને ફરતે તેમજ અંદર પણ ઝુંપડપટ્ટી, કાચી-પાકી દુકાનો તેમજ અન્ય પ્રકારનાં દબાણો થયેલાં છે. તે દૂર કરી તેને ડેવલપ કરવાની વાતો થઇ રહી છે, પરંતુ કોઇ કારણસર પ્રોજેક્ટ અમલમાં મુકાતો નથી.