વાડજનાં સ્મશાનગૃહનાં ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં
વી.એસ. સ્મશાનગૃહને પીપીપી ધોરણે ડેવલપ કરવા ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં વી.એસ.હોસ્પિટલ પાસેનાં મ્યુનિ. સ્મશાનને પીપીપી ધોરણે ડેવલપ કરવા યુએનએમ ફાઉન્ડેશન તૈયાર થઇ જતાં મ્યુનિ.ને ૯.૫૬ કરોડની બચત થશે. દિવાંગત નાગરિકોની અંતિમક્રિયા માટે ૨૪ સ્મશાન આવેલાં છે. તેમાં વાડજ ખાતેનાં સ્મશાનગૃહનાં ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં તે પૂરી થશે.
આ સિવાય શહેરનાં મોટા અને જાણીતા એવા જમાલપુર સપ્તઋષિ સ્મશાનગૃહ, વીએસ હોસ્પિટલ સ્મશાનગૃહ, સાબરમતી-અચેર સ્મશાનગૃહ તથા હાટકેશ્વર-ખોખરા સ્મશાનગૃહ તેમજ નરોડા સ્મશાનગૃહને ડેવલપ કરવાનો ર્નિણય શાસક ભાજપ દ્વારા લેવામાં આવ્યો હતો. આ પાંચ સ્મશાનગૃહ ખાતે મોટી સંખ્યામાં અંતિમક્રિયા થતી હોવાથી તેમજ ડાઘુઓની સંખ્યા પણ વધુ આવતી હોવાથી નાગરિક સુવિધાનાં કામો ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
પાંચ સ્મશાનગૃહોને મોડલ સ્મશાન તરીકે ડેવલપ કરવા ટેન્ડર બહાર પાડી દેવાયા હતા. પરંતુ UNM ફાઉન્ડેશન(ટોરેન્ટ કંપની) તરફથી વી.એસ.હોસ્પિટલ પાછળનાં સ્મશાનને પીપીપી ધોરણે ડેવલપ કરવાની દરખાસ્ત પાઠવવામાં આવી હતી, જેને કમિશનરે માન્ય રાખી છે. વી.એસ.હોસ્પિટલ પાછળનાં સ્મશાનને મોડલ સ્મશાન તરીકે ડેવલપ કરવા માટે સંકલ્પ ઇન્ફ્રાકોનનું ૧૫ ટકા ઉંચા ભાવનુ ૯.૫૬ કરોડનુ ટેન્ડર મંજૂર કરાયુ હતુ, પરંતુ હવે UNM ફાઉન્ડેશન દ્વારા સ્મશાન ડેવલપ કરવાની સંમતિ આપવામાં આવતાં ૯.૫૬ કરોડનાં ટેન્ડરની મંજૂરી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.