નશેડી કારચાલકે એક્ટિવાને અડફેટે લેતાં બેના મૃત્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના રસ્તાઓ પર દિન-પ્રતિદિન નશેડી કાર ચાલકોનો આતંક વધતો જાય છે. આ નશેડી કારચાલકોને કારણે રસ્તાઓ હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી અને જીવનું જોખમ સતત માથે મંડરાતું રહે છે. રસ્તાઓ પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત બહાર આવી રહ્યા છે.
તાજેતરમાં બોપલ-અંબાલી રોડ પર નશાની હાલતમાં રીપલ પંચાલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં તો શહેરના નરોડા-દહેગામ રોડ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર ચલાવી રહેલા વ્યક્તિએ બે યુવકોનો ભોગ લીધો છે. ડિવાઇડર કૂદી ક્રેટા કારે એક્ટિવાને અડફેટે લીધું હતું. અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ગુના હેઠળ કારને પણ જપ્ત કરી છે.
મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર બે યુવકો જઈ રહ્યા હતા. આ દરમિયાન નશાની હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના યુવકે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન એક્ટિવા પર આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર લાગતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા.
ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ આક્ષેપ કર્યો કે, કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશાની હાલતમાં હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પાડી માર માર્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ બહાર આવ્યા છે, જે હચમચાવી દે તેવા છે. સ્થાનિક લોકોએ આ કારચાલકને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. કારચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.