વર્ષ ૨૦૦૬માં સુરતમાં સિક્યુરિટી ગાર્ડ પર ફાયરીંગ કરી થયો હતો ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૦૬માં એટલે કે આજથી ૧૮ વર્ષ પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં સિક્યુરિટી તરીકે કામ કરતા જવાન પર ફાયરિંગ કરી તેની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસ છેલ્લે ૧૮ વર્ષથી તેને પકડવા માટે તેના વતન જતી હતી ત્યારે આ વ્યક્તિ વતન છોડી ગાંધીનગરમાં સિક્યુરિટી જવાન તરીકે કામ કરતો હોવાની વિગત મળતા પીસીબી પોલીસે બાતમીના આધારે ૧૮ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ વર્ષ ૨૦૦૬માં સુરત શહેર ખાતે ઉમરા વિસ્તારમાં સિક્યુરિટીનું કામ કરતા ઇન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ સાથે ઝઘડો થતાં આરોપીએ પોતાની પાસેની ગન વડે ફાયરીંગ કર્યું હતું. ઇન્દ્રસિંહને ગળાના ભાગે ગોળી વાગતા તેનું મૃત્યુ થયું હતું. જ્યારે આરોપી પોલીસની બીકે તેના વતન નાશી ગો હતો. આ ગુનામાં પોલીસ તેને શોધવા તેના વતન જતી ત્યારે ગામની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ આરોપી પોલીસને ચકમો આપી નાસી જતો હતો.
આરોપી હાલ ગાંધીનગર ખાતે સિક્યુરિટી જવાન તરીકે કામ કરતો હોવાની વિગતો મળતા સુરત પીસીબીની એક ટીમ ગાંધીનગર જવા ખાતે નીકળી હતી અને આરોપી રામઅવતાર ઉર્ફે મનોજસીંગ મુલાયમસીંગ યાદવને સરગાસણ, ગાંધીનગર ખાતેથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે ૧૮ વર્ષ પહેલા કરેલા ગુનાની કબૂલાત કરતા આરોપીને સુરત ખાતે લઈ આવ્યા બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો છે.