વધુ વ્યાજની લાલચ આપીને રાજ્યમાં કેટલાય લોકોને છેતર્યા
દુબઈમાં રોકાણ કરવા માંગતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઠગે કેટલા લોકોનું કેટલા કરોડનું ફુલેકું ફેરવ્યું છે એનો હજુ સુધી સાચો અંદાજ મેળવી શકાયો નથી. પરંતુ રાજ્યની CID ક્રાઈમે કેસ હાથમાં લીધો ત્યારથી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લે મળતી માહિતી અનુસાર ભાગેડુ ઠગ ભૂપેન્દ્ર ઝાલાની કેટલીક વૈભવી કાર પોલીસે જપ્ત કરી છે. તે ઉપરાંત તેના ફાર્મ હાઉસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
એકના ડબલ કરી આપવાની પોન્ઝી સ્કીમ શરૂ કરીને સાબરકાંઠા ઉપરાંત રાજ્યના ઘણા જિલ્લાના લોકોને બાટલામાં ઉતારી તેમના નાણાંથી વૈભવી જિંદગી જીવનાર ભૂપેન્દ્ર ઝાલા કેટલીક વૈભવી ગાડીઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસને તેના ફાર્મ હાઉસની માહિતી મળ્યા બાદ ત્યાં દરોડો પાડ્યો હતો અને ત્યારે એક એકથી ચડિયાતી વૈભવી કારોનો કાફલો ત્યાં જોવા મળ્યો હતો.
સાબરકાંઠાના સૂત્રોનું કહેવું છે કે, ભૂપેન્દ્ર ઝાલા ભલે ફરાર છે પરંતુ CID દ્વારા જો તેની સ્કીમના અમુક સાગરિતોની ધરપકડ કરવામાં આવે તો મોડાસા અને આસપાસના તમામ વિસ્તારના BZ એજન્ટો ની માહિતી મળે તેમ છે. આ પોન્ઝી સ્કીમમાં ભૂપેન્દ્ર ઝાલા જેટલા જ આ એજન્ટો ગુનેગાર છે કારણ કે આ એજન્ટોએ પોતાના સગા – સંબંધીઓ અને ઓળખીતાઓને વધુ વ્યાજની લાલચ આપીને તેમની પાસે રોકાણ કરાવવાની લાલચે નાણાં લઈને પોતાનું જ હિત સાધ્યું છે અર્થાત આ એજન્ટોએ જ પારકે પૈસે તાગડધિન્ના કરવા અને મોંઘી મોંઘી ભેટ મેળવી, વિદેશ પ્રવાસ કર્યો, મોંઘા મોબાઈલ મેળવ્યા.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત દરેક જણ જાણતા હોવા છતાં ટૂંકા ગાળામાં જંગી વળતર મેળવવાની લાલચ રોકી નહીં શકનાર નાગરિકો હવે કહી રહ્યા છે કે તેમની પાસેથી બીઝેડ ગ્રુપના નામે નાણાં ઉઘરાવનાર એજન્ટોને પણ સજા મળવી જોઈએ, જેથી આવનારા ભવિષ્યમાં લોકો એજન્ટો બનીને ભોળા નાગરિકોઓને છેતરવાનું બંધ કરે.
મળતી માહિતી અનુસાર એક અરવલ્લીનાં જ એક શિક્ષિકાએ વધુ નાણાં કમાઈ લેવાની લાલચે બી.ઝેડ.માં રોકાણ કરવા માટે ૧૩ લાખ રૂપિયાની લોન લઈને રોકાણ કર્યું છે. આ શિક્ષિકાને અત્યાર સુધીમાં માસિક ૩૯,૦૦૦ મુજબ ૪,૬૮,૦૦૦ રૂપિયા પરત મળ્યા છે પણ બાકીના લાખો રૂપિયાનું શું?
બી.ઝેડ. ફાઇનાન્સના નામે ભૂપેન્દ્ર ઝાલા દર મહિને ૧ થી ૫ તારીખ સુધીમાં રોકાણનું વ્યાજ આપતો હતો, પણ અત્યારે તે ફરાર છે તો રોકાણકારોને રૂપિયા કોણ આપશે? એ પ્રશ્ન લોભિયા રોકાણકારોને સતાવી રહ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાના ત્યાં રોકાણ જે રીતે આવતું તે જ રીતે વ્યાજ અથવા રોકાણ પરત કરતો હતો. જેમ કે ૧૦ લાખના રોકાણમાં જાે રોકાણકારે ૩ લાખ ચેક કે ઈન્ટરનેટ બેન્કિંગથી આપ્યા હોય અને ૭ લાખ રોકડા આપ્યા હોય તો ૩ લાખના ૩% ચેક અથવા ઈન્ટરનેટ બેન્કિંગથી આપશે અને ૭ લાખના ૩% રોકડમાં આપવાની પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તેની આ મોડસ ઓપરેન્ડીમાં “રોકાણ” કરનારા મોટાભાગના શિક્ષિતો છે અને એ શિક્ષિતોને બાટલામાં ઉતારનાર તેમના જ ઓળખીતા લોકો છે જે એજન્ટો બનીને ફરતા હતા.
આ સમગ્ર કેસમાં એક ચોંકાવનારી માહિતી એવી પણ મળી રહી છે કે, દુબઈમાં હવાલા દ્વારા પહોંચાડવામાં આવેલા કરોડો રૂપિયાની તપાસ કરવામાં આવે તો મોટી રકમની હેરફેરની માહિતી મળે તેમ છે. કહેવાય છે કે, ભૂપેન્દ્ર ઝાલાએ એક ખાનગી બેંક મારફત દુબઈમાં આ નાણાં પહોંચાડ્યા હતા અને ત્યાં મિલકત ખરીદવા માંગતો હતો.