લાઇવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત
મહારાષ્ટ્રના સંભાજીમાં લાઇવ મેચમાં ઈમરાન સિકન્દરનું હાર્ટ એટેકથી મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટમાં ખેલાડીઓને ઈજા થવી સામાન્ય બાબત છે. ખેલાડીઓ ઘણીવાર ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ કેટલીકવાર આ ઈજા એટલી ગંભીર હોય છે કે ખેલાડી પોતાનો જીવ પણ ગુમાવે છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસ આવા જ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન તેને માથા પર બાઉન્સર વાગ્યો હતો અને થોડા સમય બાદ તેણે મેદાન પર જ જીવ ગુમાવી દીધો હતો. તેમના નિધનથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું.
આના પરથી શીખીને ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષા માટે ઘણી વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. આવા કેટલાક અન્ય વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ખેલાડીઓ ખોટી જગ્યાએ ઈજાગ્રસ્ત થયા બાદ મૃત્યુ પામ્યા હતા. જોકે, હવે ભારતમાં જ આવી ઘટના ઘટી છે, મહારાષ્ટ્રમાં ખેલાડીને હાર્ટ એટેક આવ્યો અને થોડા જ સમયમાં તે મેદાન પર જ મોતને ભેટ્યો હતો. મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. ૩૫ વર્ષીય ક્રિકેટર ઈમરાન સિકન્દર પટેલે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત ૨૮ નવેમ્બરે ગરવારે સ્ટેડિયમમાં થયો હતો.
મળતી માહિતી મુજબ ગરવારેમાં લકી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ અને યંગ ઈલેવન વચ્ચે મેચ ચાલી રહી હતી. ઈમરાન લકી ટીમનો કેપ્ટન હતો અને ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેને છાતી અને હાથમાં સખત દુઃખાવો થયો હતો. તે અડધી પીચ પર આવ્યો અને પગ પર હાથ રાખીને ઊભો રહ્યો. ત્યારબાદ તેણે વિપક્ષી ટીમના એમ્પાયરો અને ખેલાડીઓને આની જાણ કરી. આ પછી એમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી હતી.
જોકે, ઈમરાન મેદાન પર બેભાન થઇને ઢળી પડ્યો હતો, અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, કારણ કે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું. વીડિયોની છેલ્લી કેટલીક સેકન્ડમાં જોઈ શકાય છે કે ઈમરાન મેદાન પર પડતાની સાથે જ ત્યાં હાજર તમામ ખેલાડીઓ તેની તરફ દોડ્યા હતા. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઇમરાનના નિધનથી તેના મિત્રો અને સાથી ખેલાડીઓ આઘાતમાં છે. ઈમરાન ઓલરાઉન્ડર હતો અને ખેલાડી તરીકે ઘણો ફિટ હતો. ઈમરાનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. તેની જ્યૂસની દુકાન પણ છે.