રાજ કુન્દ્રાની ઓફિસ અને ઘર પર ED ની રેડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ED એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર રેડ પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ED પોર્નોગ્રાફી કેસમાં માત્ર રાજ કુન્દ્રાના ઘરે જ નહિ પણ બીજા કેટલાક લોકોના ઘરોમાં પણ શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ તપાસ મોબાઈલ એપની મદદથી કન્ટેન્ટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલી છે.
ED ની તપાસ વર્ષ ૨૦૨૧ના મુંબઈ પોલીસના કેસ પર આધારિત છે. જે કેસના કારણે ક્રાઈમ બ્રાન્ચે ૨૦૨૧માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ પછી રાજને ૬૩ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સિટી કોર્ટે તેને જામીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ રાજ કુન્દ્રાએ તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
ફેબ્રુઆરી ૨૦૨૧માં મુંબઈ પોલીસે મડ આઈલેન્ડ પર સ્થિત એક બંગલામાં દરોડો પાડ્યો હતો. દરોડામાં એ બંગલામાં એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ થતું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પોલીસે તે બંગલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફિલ્મો બનાવવા પાછળ રાજ કુન્દ્રાનો હાથ હતો.