અફઘાનિસ્તાનમાં આવ્યો ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હિમાલયના વિવિધ ભાગોમાં હળવો આંચકો અનુભવાયો હતો. US જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો.
આ પહેલા નાગાલેન્ડના કિફિરેમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા ત્રિપુરાના ઉત્તરી જિલ્લાના દામચેરા વિસ્તારમાં ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની પુષ્ટિ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા કરવામાં આવી હતી. ભૂકંપ સવારે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ ૨૪.૨૦ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૯૨.૨૭ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. આસામ અને મિઝોરમ સાથે ત્રિપુરાની આંતર-રાજ્ય સરહદ નજીક સ્થિત દામચેરામાં હળવા આંચકા અનુભવાયા હતા, પરંતુ હજી સુધી કોઈ નુકસાન અથવા જાનહાનિના અહેવાલ નથી.