સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો તે ઉપગ્રહનો ઉદેશ્ય
પ્રોબા-૦૩ સૌર પવનો અને કોરોનલ માસ ઇજેક્શનનો પણ અભ્યાસ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોથી ડિસેમ્બર-૨૦૨૪ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે ૪ વાગ્યાને ૮ મિનિટે યુરોપિયન સ્પેસ એજન્સી(ESA) ના ઉપગ્રહ પ્રોબા-૦૩ ને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) ના PSLV – XL રોકેટથી કરવામાં આવશે. આ મિશનના ઉદ્દેશ્ય છે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો, અને એકસાથે અનેક ઉપગ્રહો લોન્ચ કરવાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરવું.
સૂર્યની આસપાસ ખૂબ જ ઝાંખું પરંતુ ખૂબ મોટું સ્તર છે, જે નરી આંખે જોવાનું શક્ય નથી. પ્રોબા-૦૩ પૃથ્વીની આસપાસ ૬૦૦ ઠ ૬૦,૫૦૦ કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરશે અને સૂર્યની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરીને એ સ્તરને સમજવામાં મદદ કરશે.
સૂર્યની સપાટી પાસે બે પ્રકારના કોરોના હોય છેઃ હાઇ કોરોના અને લો કોરોના… બંનેનો અભ્યાસ અનેક ઉપગ્રહો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ, એ બે કોરોના વચ્ચે જે ગેપ (જગ્યા) છે, એનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. પ્રોબા-૦૩ એ કામ કરશે. આ ઉપગ્રહમાં સ્થાપિત ASPICS ઇન્સ્ટ્રૂમેન્ટને કારણે એ ગેપનો અભ્યાસ સરળ બનશે.
આ ઉપરાંત પ્રોબા-૦૩ સૌર પવનો અને કોરોનલ માસ ઇજેક્શનનો પણ અભ્યાસ કરશે. પ્રોબા-૦૩ના કારણે વૈજ્ઞાનિકો અવકાશના હવામાનનો અભ્યાસ પણ કરી શકશે, જેથી આપણી પૃથ્વી પર તેની શું અસર થાય છે, એ જાણવા મળશે. આ ઉપગ્રહના બે ભાગ છે. પહેલું છે ઓક્યુલેટર અને બીજું છે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ. બંને અલગ-અલગ પ્રકારનું કામ કરશે, પણ એ કામ એકમેક સાથે સંકળાયેલા હશે.