‘નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે’
આગામી ૨૦મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં પ્રખ્યાત રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં મહાદેવ મંદિર હોવાના દાવા સાથે એક અરજી સ્થાનિક કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને દરગાહ મેનેજમેન્ટ કમિટીને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.
આ વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે જજોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. યાદવે કહ્યું કે નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે. આ પહેલા તાજેતરમાં જ તેમણે નિવૃત્ત ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને બાદમાં તેમણે યુ-ટર્ન લઈ લીધો હતો.
અજમેર શરીફ વિવાદ અંગે સ.પા નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે, ‘મેં આ પહેલા પણ કહ્યું હતું કે, આવા નાના-નાના જજો બેઠા છે જે આ દેશને આગ લગાડવા માંગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડાપ્રધાન પોતે અજમેર શરીફમાં ચાદર મોકલે છે. દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવે છે. તેને વિવાદોમાં નાખવી એ ખૂબ જ ઘૃણાજનક અને ઓછી માનસિકતાનું પ્રતીક છે. સત્તામાં બની રહેવા માટે ભાજપ સમર્થિત લોકો કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગી જાય તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમને માત્ર સત્તાથી મતલબ છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં નથી આવ્યા.
આ અરજી એક હિન્દુ સંગઠનના વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. અરજદારનો દાવો છે કે અહીંયા મહાદેવ મંદિર આવેલુ છે, માટે સમગ્ર દરગાહનો વૈજ્ઞાનિક સરવે કરવા માટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાને આદેશ આપવામાં આવે.
કોર્ટે હાલ દરગાહ કમિટી, લઘુમતી મંત્રાલય અને એએસઆઈને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ પહેલા આ જ અરજદાર દ્વારા અજમેર કોર્ટમાં અરજી કરાઈ હતી જેમાં અજમેર દરગાહને શિવ મંદિર જાહેર કરવાની માગણી કરાઈ હતી, જોકે કોર્ટે તે અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેને પગલે નવી અરજી કરાઈ હતી જેમાં દરગાહનો સરવે કરવાની માગ કરાઈ છે. કોર્ટે હાલ તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા કહ્યું છે, હવે આ મામલે આગામી ૨૦મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.