IPL ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ લગાવ્યો આરોપ
મેં તેની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ત્ન કર્યો તો તેઓ મારી વિરુદ્ધ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ BCCI ના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ સચિવ અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક પોડકાસ્ટમાં લલિત મોદીએ ખુલાસો કર્યો છે કે એન શ્રીનિવાસન IPL માં અમ્પાયર ફિક્સિંગ અને ઑક્શનમાં હેરાફેરી કરતા હતા.
આ વાયરલ વીડિયોમાં લલિત મોદીએ જણાવ્યું કે એન શ્રીનિવાસન CSK મેચોમાં અમ્પાયરોની અદલાબદલી કરતા હતા. તેમણે કહ્યું, ‘શ્રીનિવાસને અમ્પાયરો બદલવાનું કામ પણ કર્યું હતું, તે CSK ની મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના જ અમ્પાયરોને કામ આપતા હતા. મને આ બધું ગમતું નહોતું કારણ કે તે ખુલ્લેઆમ ફિક્સિંગ કરતા હતા. જ્યારે મેં તેની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ત્ન કર્યો તો તેઓ મારી વિરુદ્ધ થઈ ગયા.’
એન્ડ્રૂ ફ્લિન્ટોફના વિવાદ પર લલિત મોદીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસન પર IPL ૨૦૦૯ના ઑક્શનમાં એન્ડ્રૂ ફ્લિન્ટોફને ખરીદવા માટે ઑક્શન ફિક્સ કરવાનો આરોપ હતો. આ મુદ્દો લલિત મોદીએ ફરી ઉઠાવતા કહ્યું હતું કે, શ્રીનિવાસન ફ્લિન્ટોફને ખરીદવાનું મન બનાવી ચૂક્યા હતા. તેમજ દરેક ફ્રેન્ચાઈઝી તેમના દ્વારા કરવામાં આવેલા ફિક્સિંગથી વાકેફ હતી.
લલિત મોદીએ વધુમાં કહ્યું કે, હા, અમે ઑક્શનમાં ફિક્સિંગ કરી છે. બધી જ ટીમને આ વાતની જાણકારી હતી. આથી અમે દરેક ટીમને કહ્ય હતું કે કોઈ ફ્લિન્ટોફ પર બોલી ન લગાવશો. કારણ કે શ્રીનિવાસન તેને CSK માટે ખરીદવા માંગે છે. જો આવું ન કર્યું હોત તો શ્રીનિવાસન IPL ન થાવા દેતા, તેઓ અમારા બોર્ડમાં કાંટા સમાન હતા. આથી અમે આ કર્યું.’ લલિત મોદીના આ નિવેદનથી ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે.