રાહુલ ગાંધીની જેમ બંધારણની નકલ હાથમાં રાખી શપથ લીધા
વાયનાડમાં મોટી જીત મેળવી પ્રિયંકાએ લીધા સાંસદ પદના શપથ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ચૂંટણી પદાર્પણમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમણે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેમની પ્રથમ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ ચાર લાખથી વધુ મતોથી જંગી જીત મેળવી હતી.
વાયનાડથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીતના માર્જિન કરતાં તેમની જીતનું માર્જિન ઘણું વધારે હતું. જોકે હવે તેમણે સાંસદ પદના શપથ લઈ લીધા છે અને તેઓ સંસદમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે રાહુલ ગાંધીની જેમ બંધારણની નકલ હાથમાં રાખીને સાંસદ પદના શપથ લીધા હતા. આ સાથે હવે દેશની સંસદમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો પહેલીવાર એકસાથે જોવા મળશે. બીજી બાજુ તેમના શપથ બાદ હોબાળો યથાવત્ રહેતા લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લગભગ સાડા ત્રણ દાયકાનો રાજકીય અનુભવ ધરાવતી પ્રિયંકાએ પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો અને વાયનાડથી પેટાચૂંટણી લડી. વાયનાડમાં પ્રિયંકાએ સીપીઆઈના સત્યન મોકેરીને ચાર લાખથી વધુ મતોથી હરાવ્યા.
પ્રિયંકા ગાંધીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ વેલ્હામ ગર્લ્સ સ્કૂલ, દેહરાદૂનથી શરૂ થયું હતું. પરંતુ ૧૯૮૪ માં ઈન્દિરા ગાંધીના અવસાન પછી તેમણે સુરક્ષાના કારણોસર તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો અને ૧૯૮૯માં કોન્વેન્ટ ઑફ જીસસ એન્ડ મેરી સ્કૂલ, દિલ્હીમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું હતું.
પ્રિયંકાએ ૧૯૯૩માં દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ૨૦૧૦ માં, તેમણે યુકેની યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડમાંથી બૌદ્ધ અધ્યયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું હતું. ૧૯૯૭માં પ્રિયંકા ગાંધીએ દિલ્હીના બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે ૧૨ વર્ષની મિત્રતા બાદ લગ્ન કરી લીધા. પ્રિયંકા ગાંધીને બે બાળકો છે – રેહાન વાડ્રા અને મિરાયા વાડ્રા.