ઇસકોને બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય પ્રભુ સાથે તોડયા સંબંધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્રદાસે કહ્યું છે કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણ દાસના કોઈપણ નિવેદન કે પ્રવૃત્તિની જવાબદારી લેતું નથી. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરતા કહ્યું કે ચિન્મય પ્રભુને તાજેતરમાં જ ઈસ્કોનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ દાસની ચિત્તાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ઇસ્કોનના સમર્થકો અને લઘુમતી સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વિરોધ પ્રસરી ગયો હતો, ત્યારબાદ ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ તેજ થઈ ગઈ હતી. ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા માટે બાંગ્લાદેશ હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે ઈસ્કોનની પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવાના કેસને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે નક્કર પુરાવા વિના સુઓ મોટુ સંજ્ઞાન લઈ શકાય નહીં.
હાઈકોર્ટના ર્નિણય બાદ ઈસ્કોનની કોલકાતા શાખાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે તેને ન્યાયની જીત ગણાવી છે. “અમારા પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો,” લાખો શ્રદ્ધાળુઓ માટે આ રાહતની વાત છે.”