અફવાનો ભોગ ક્યાંક કોઈ નિર્દોષ ન બની જાય તે પોલીસમાં ભય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણામાં બાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની અફવાથી પોલીસ કંટાળી ગઈ છે. મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ ગામોમાં આ પ્રકારની અફવા ફેલાઈ છે. આ પ્રકારની અફવાની થોડા સમયમાં ચારેક ઘટનાઓ બહાર આવી છે.
દેદિયાસણ ગામમાં બાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની અફવા ફેલાઈ હતી. તેના પગલે પોલીસ તરત જ હરકતમાં આવી હતી. તાલુકા પોલીસે અફવાઓના પગલે અખબાર યાદી જાહેર કરીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે બાળકો ઉડી જતી હોય તેવી કોઈ ગેંગ આવી નથી. આવો કોઈ મોટો કિસ્સો પણ નોંધાયો નથી જેમા બાળકને ઉપાડી જવાયો હોય. તેથી લોકો આવી અફવા પર ધ્યાન ન આપે તથા તેને ન ફેલાવે. પોલીસને ડર છે કે બાળકોના અપહરણની અફવાનો ભોગ ક્યાંક કોઈ નિર્દોષ ન બની જાય.આ અગાઉ પણ ઘણા લોકો આ પ્રકારને લઈને કૂટાઈ ગયા છે. તેઓને મારી નાખવામાં આવે પછી ખબર પડતી હતી કે તેઓ ચોર ન હતા, પણ ત્યાંથી નીકળેલા વટેમાર્ગુ હતા. આ સિવાય કોઈ કારખાનાનો મજૂર હતો. આવા ઘણા કિસ્સા સર્જાતા જોવા મળ્યાં છે. તેથી પોલીસે મહેસાણાના ગ્રામીણ લોકોને વિનંતી કરી છે કે કોઈપણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેતા અને જરા પણ શંકા જેવું લાગે તો અથવા કોઈ શંકાસ્પદ લાગે તો તેની પોલીસને જાણ કરજો, પરંતુ પોલીસનું કામ જાતે કરવા જતા ન રહેતા.