પોલીસે કપાતર પુત્રની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
માતા અને બાળક વચ્ચેનો સંબંધ સૌથી સુંદર હોય છે. બાળકના જન્મ પહેલા જ માતા સાથે તેનો સંબંધ બંધાઈ જાય છે. જન્મ પછી બાળક માટે માતાનો પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે. પુત્ર હોય કે પુત્રી માતા સાથે તેમનો સંબંધ ખૂબ જ મજબૂત હોય છે. સતયુગમાં દીકરાઓ સપૂત હતાં પરંતુ, કળિયુગમાં કપૂત થઈ ગયા હોય તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના ખટોદરામાં ૮૫ વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતના ખટોદરા વિસ્તારમાં પુત્રએ તેની જ વૃદ્ધ માતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખટોદરા સ્થિત પંચશીલ નગરમાં ૮૫ વર્ષીય બંગાલી વૃંદાવન બિસ્વાલ પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતા હતા. દરમ્યાન જમવાના મુદ્દે ઝઘડો થતા રોષે ભરાયેલા પુત્રએ વૃદ્ધ માતાને માથામાં દસ્તો મારી દીધો હતો જેમાં ગંભીર ઈજા થતા વૃદ્ધ માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી.
ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓડિશાના વતની ૮૫ વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. માતા બંગાલી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો. માતાએ જમવાનું માંગ્યું હતું. જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી. જેથી અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી.