વધુ ચાર લોકોએ જીવન ટૂંકાવતા ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં અપ મૃત્યુના બનાવ અટકવાનું નામ નથી લેતા. ત્યારે જુદી જુદી ચાર ઘટનામાં યુવક, આધેડ, પરિણીતા અને યુવતીએ મોતની સોડ તાણી લીધી હતી. લસકાણામાં પતિ સાથે થયેલી રકઝક બાદ પત્નીએ અંતિમ પગલું ભરી લીધુ હતું. સૈયદપુરામાં માનસિક બીમારીથી કંટાળી આધેડે અંતિમ પગલું ભર્યું હતું. સરથાણાની ૧૮ વર્ષની યુવતી અને અમરોલીના ૨૫ વર્ષીય યુવકે રહસ્યમય સંજોગોમાં મોતને વહાલું કરી લીધુ હતું.
પહેલા બનાવમાં મૂળ ઓરિસ્સા ગંજામના વતની પંગલ શિયા શહેરના લસકાણા ગામ ખાતે નંદ ગોપાલ સોસાયટીમાં રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. અને તેઓ લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંગલ શિયાને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. બીમારીને કારણે તેમને જમવાનું ભાવતું ન હતું, તેથી બે દિવસથી તેમના ભાગનું જમવાનું બગડતું હતું. જમવાનું બીજા દિવસે ફેંકી દેવું પડતું હોવાથી ૩૧ વર્ષીય પત્ની જુમરીની પતિ સાથે માથાકૂટ થઈ હતી. પતિ સાથે તકરાર બાદ પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધુ હતું. બીજા બનાવમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા સોપારીવાલા કમ્પાઉન્ડમાં રહેતા ૫૩ વર્ષીય યુસુબ ગુલાબ હુસેન મજૂરીકામ કરતા હતા. તેમને છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારી હતી. જે બીમારીથી કંટાળી પોતાના ઘરમાં ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું.
ત્રીજા બનાવમાં મૂળ અમરેલી જિલ્લાના વતની નિલેશભાઈ બાવસી હાલમાં શહેરના સરથાણા ખાતે આવેલા સાવલિયા સર્કલ પાસેની આમ્રકુંજ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં બે ટ્વીન્સ દીકરી અને એક દીકરો છે.જે પૈકી ૧૮ વર્ષની પુત્રીએ ઘરમાં ઝેરી પાવડર પી લીધો હતો. હોસ્પિટલમાં તેમની પુત્રીનું સારવાર બાદ મોત થયું હતું. તેણીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે.
ચોથા બનાવમાં મૂળ બિહારનો વતની ૨૬ વર્ષીય અરવિંદ ગણેશ પંડિત હાલમાં શહેરના અમરોલીના છાપરાભાઠા સ્થિત શિરડીધામ સોસાયટીમાં પિતા અને નાનાભાઈ સાથે રહેતો હતો. તેનો પરિવાર વતન રહે છે, અને તે કતારગામ જીઆઇડીસી ખાતે એમ્બ્રોઇડરી મશીન પર કામ કરતો હતો. અરવિંદે પોતાના ઘરમાં છતના પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.