નકલી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણના એક પરિવારને બાળક દત્તક લેવાનું હતું જેને નકલી ડોક્ટરે ૧.૨૦ લાખ રૂપિયામાં અપાવવાનું નક્કી કર્યું હતું. દત્તક લીધેલા બાળકનું માથું અચાનક મોટું થવા લાગતાં પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતાં બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બિમારી હોવાનું માલૂમ પડ્યું હતું. આથી નકલી ડોક્ટરને બાળક પરત આપવાની વાત કરીને રૂપિયા પરત માગ્યા હતા. જોકે, ૩૦ હજાર પરત આપી બાકીના રૂપિયા પરત ન આપતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. પાટણમાં રહેતા યુવકના લગ્નના ૮ વર્ષ વીત્યા બાદ પણ બાળક ન થતાં પતિ-પત્ની ચિંતામાં હતા. તે દરમિયાન માર્ચ ૨૦૨૩ માં યુવકે પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવનાર વ્યક્તિને વાત કરી હતી. જેણે નિરવને દત્તક બાળક લેવા અંગે વાત કરી હતી.
પરિવારની સહમતિ બાદ યુવક હોસ્પિટલમાં બાળકને જોવા ગયો હતો જ્યાં બાળકને ICU વોર્ડમાં રાખાયો હતો. આથી નીરવે બાળકની તબિયત અંગે પુછતાં અઠવાડિયામાં સાજો થઈ જશે તેવો જવાબ મળ્યો હતો. યુવકે હોસ્પિટલના કર્મચારીને બાળક અહીં કોણ લઈને આવ્યું છે તે પુછતાં કર્મીએ કહ્યું હતું કે, સુરેશ ઠાકોર નામનો શખ્સ બાળકને અહીં લઈને આવ્યો છે. તે બે દિવસ પછી ફરી આવશે. બે દિવસ બાદ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર હોસ્પિટલમાં આવીને નિરવ સાથે મુલાકાત કરી બાળક અનાથ હોવાનું જણાવી જો બાળકને દત્તક લેવો હોય તો ૧.૨૦ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતા યુવક નિરવ તૈયાર થઇ ગયો હતો.
બાળકની તબિયત સુધરતાં રૂ. ૫૦ હજાર તેમજ હોસ્પિટલનું રૂ. ૧૦ હજારનું બિલ ભરી બાળકને ઘરે લઈ જાય છે. જોકે, તેની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં બાળકનું સ્કેન થતાં તેના માથામાં પાણી ભરાઇ જવાનો પ્રોબ્લેમ છે એવું નિદાન થાય છે. આ વાત જાણી પરિવાર ગભરાઈ જાય છે અને યુવક સુરેશને બાળક પરત લઈ જવા અને સતત પૈસાની માંગણી કરતા સુરેશ ૩૦,૦૦૦ રૂપિયા પરત આપી દે છે, પરંતુ બાકીના રૂપિયા ન આપતા યુવક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સુરેશ ઠાકોર સાંતલપુરના કોરડા ગામે નકલી ડોક્ટર બની ક્લિનિક ચલાવતો હતો જેને ચાર દિવસ અગાઉ SOG એ રેડ કરી ઝડપી પાડ્યો હતો જે અત્યારે ત્રણ દિવસના રિમાન્ડ પર છે.