૨૫ થી ૩૫ વર્ષ જૂના ૨૦૦૦થી વધુ દબાણો દૂર કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ ગણાતા અલંગ ખાતે વિશ્વરભરમાંથી આવતા શિપને તોડવામાં આવે છે અને શિપમાંથી નીકળતા જૂના માલસામાનનો વેપાર કરવામાં આવે છે. ધીરે ધીરે આ વિસ્તારની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ વધતા ગયા, જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. આવા દબાણો હટાવવા અનેક ફરિયાદો અને કેસ થયા. હવે ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ અલંગમાં ૨૫ થી ૩૫ વર્ષ જૂના ૨૦૦૦થી વધુ દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી શરુ કરી છે.
ભાવનગરના અલંગમાં ૩૦ વર્ષ પહેલાથી સરકારી જમીન પર ૧૫૦ હેક્ટરમાં ૧૫૦થી વધુ પ્લોટ પર વેપાર કરવામાં આવે છે. જેમાં અલંગના ૧૫૦ તેમજ મણાર ગામના ૧૨૦થી વધુ પ્લોટ ધારકોને પ્લોટ ખાલી કરવા તંત્રએ એક મહિના પહેલા નોટિસ ફટકારી હતી. જેને લઈને ૩૫ જેટલાં પ્લોટ ધારકો મુદત માટે હાઈકોર્ટનો સહારો લીધો હતો, પરંતુ પ્લોટ ધારકોને કોર્ટમાંથી મળી ન હતી. જેથી તંત્ર દ્વારા પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.
સ્થાનિક પ્રશાસનનો દાવો છે કે સરકારી અને ગૌચરની જગ્યામાં ૨૫-૩૦ વર્ષથી દબાણો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ પ્લોટ ધારકોની મુદત વધારવાની માગ કરતી અરજી મંજૂર ન રાખતા આખરે ૨૦૦૦થી વધુ વિવિધ ગેરકાયદે દબાણો હટાવવા માટે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. તંત્રએ ૧૦ JCB , ૧૦ જેટલા ટ્રેક્ટરો અને ૭૦ થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે.