ફડણવીસ, શિંદે અને અજિત પવાર દિલ્હી રવાના
ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮માંથી ૧૩૨ બેઠક જીતીને ભાજપે બહુ મોટી સફળતા હાંસલ કરી લીધી છે. એવું કહેવાય છે કે, ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયારી કરી લીધી છે. ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા સામે અજિત પવારને પણ વાંધો નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદેએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવાની તૈયારી કરી લીધી છે.
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મરાઠા રાજકારણના આ ત્રણેય દિગ્ગજ નેતાઓ રાજધાનીમાં ભાજપ મોવડી મંડળ સાથે બેઠક કરશે. ભાજપને સૌથી વધુ બેઠકો મળ્યા પછી ફડણવીસનું નામ જ મુખ્યમંત્રી તરીકે ચર્ચાતું હતું. એકનાથ શિંદેએ પણ ચૂંટણી પરિણામો પછી નિવેદન કરીને સંકેત આપી દીધો હતો કે, ત્રણેય રાજકીય પક્ષો એક બેઠક યોજીને નક્કી કરશે કે, મહારાષ્ટ્રનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે.
બીજી તરફ, એવા અહેવાલો પણ છે કે શિવસેનાએ ભાજપને એક પત્ર લખીને જણાવ્યું છે કે, એકનાથ શિંદેને જ ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ પત્રમાં શિંદેને મુખ્યમંત્રી બનાવવા માટે વિસ્તૃત કારણો પણ આપવામાં આવ્યા છે. ભાજપને ૧૩૨ બેઠક મળ્યા પછી પણ એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગે છે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે મહત્ત્વની ભૂમિકા ભજવનારા નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ એક નિવેદનમાં કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન કરાશે. મહારાષ્ટ્રની પ્રજાનો જનાદેશ ભાજપની તરફેણમાં છે. એટલે દેવેન્દ્ર ફડણવીસને નેતૃત્વ સોંપાયું છે. અમે કોઈ જ પક્ષના દબાણમાં નથી. ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી. ભાજપનું મોવડી મંડળ શિવસેના અને એનસીપી (અજિત જૂથ) સાથે મળીને એક મહાયુતિ સરકારની જાહેરાત કરશે.
રવાના